- બનાવટી આયુર્વેદિક શિરપ બનાવતાં 4 આરોપીઓ ઝડપાયા
- યંત્ર સહિત કુલ 3.54 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
- પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કચ્છ:માંડવી શહેરમાં બનાવટી દારૂનો વેપાર થતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં બનાવટી આયુર્વેદિક શિરપ બનાવાતું હોવાનું સામે આવ્યું હતું.
આરોગ્યને નુકસાન કરે તેવી શિરપ બનાવી વેંચાણ કરતા હોવાનું બહાર આવ્યું
મળતી પ્રાથમિક માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલી કે, માંડવીમાં જૈન આશ્રમની સામે મસ્કા વિસ્તારમાં દુકાન ભાડે રાખીને બનાવટી દારૂનું વેચાણ થાય છે. જે બાબતે પોલીસે બાતમીના આધારે દરોડો પાડતાં હિમાંશુ ગોસ્વામીના કબ્જા હેઠળની દુકાનમાં તેના મિત્રો સાથે મળીને આયુર્વેદિક શિરપના નામે આરોગ્યને નુકસાન કરે તેવી શિરપ બનાવી વેંચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. 4 આરોપીની ધરપકડ કરવામાં આવી જેમાં પોલીસે હિમાંશુ ગોસ્વામી તથા તેના મિત્રો વિક્રમ ભરવાડ, ભરત કોળી, કરણસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી.
કુલ 3.54 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
પોલીસે આરોપીઓ પાસેથી 200 નંગ હર્બલ ટોનિક કિંમત 8000, 1080 નંગ હર્બલ પ્રોડક્ટની બોટલ કિંમત 43,200, 450 નંગ પૂઠાના બોક્સ કિંમત 22,500, 5000 નંગ શિરપ ભરવાની શીશી કિંમત 25,000, શિરપ ભરવાનું મશીન કિંમત 2,00,000, 6 નંગ કેરબા કિંમત 1000, ગેસનો બાટલો કિંમત 3000, 2 નંગ 1600 લીટરની ટાંકી કિંમત 16000, 326 નંગ પ્લાસ્ટિકની બોટલ કિંમત 13,080, 30,000 નંગ સ્ટીકર કિંમત 15,000, પાણીની 25 બોટલ કિંમત 250, મિક્સર મશીન કિંમત 2000, ફ્રૂટ બિયરના 18 બોક્સ કિંમત 3600, અન્ય 7 બોક્સ કિંમત 1400, શેકરીન પાઉડર આશરે 500 ગ્રામ કિંમત 250 મળીને કુલ 3,54,280નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ
આ શિરપ લોકોના આરોગ્યને નુકસાન કરતું હોવાનું જાણવા છતાં પણ આરોપીઓ દ્વારા વેંચાણ કરતા હોવાનું બહાર આવતાં માંડવી પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.