ગૌસેવા સમિતિએ 6,500 કિલોનો લીલો ઘાસચારો આપ્યો કચ્છઃજિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. ત્યારે પશુપાલન સાથે સંકળાયેલા માલધારીઓનો જીવનનિર્વાહ પણ પશુપાલન પર નિર્ભર કરે છે. જિલ્લાના સીમાડાઓમાં ઘાસ-પાણી ખૂટી પડતાં ત્યાંના માલધારીઓ પશુધન સાથે સ્થળાંતર કરી રહ્યા છે. જિલ્લામાં લખપત તાલુકાના વિવિધ વિસ્તારોમાં સ્થાનિકે ઘાસચારાની અછતના કારણે નાનામોટા માલધારીઓને સમૂહમાં જોડાઈને પોતાની 800થી 900 જેટલી ગાયો સાથે હિજરત કરી રહ્યા છે, જેમને સ્થાનિક ખાનગી ફેક્ટરીના માલિક પરબત પટેલ દ્વારા ચલાવવામાં આવતી ગૌશાળામાં 4થી 5 મહિના સહારો આપવામાં આવે છે.
આ પણ વાંચોઃWater Issue in Kutchh: ઊંટ પર કેરબા નાખી વાડીમાં લોકો વીરડી બનાવીને મેળવે છે પાણી, 40 વર્ષથી સમસ્યા
માલધારીઓને ઘાસચારાના અછતની મુશ્કેલીઃરાતા તળાવ બરંદાના માલધારી બેસરાંભાઈ રબારીએ જણાવ્યું હતું કે, બજારમાં મળતો ભુસો, ખોડના ભાવ પણ વધારે હોવાથી વેચાતુ લઈ બધા પશુને ચરાવવું સંભવ નથી. તેમ જ સીમમાં ઘાસચારો નથી. લખપત સુકો પ્રદેશ છે અને વરસાદ આવે ત્યારે લીલુંછમ થાય છે અને ઘાસચારો મળે છે. એટલે ઘાસચારો ન મળતા આ સ્થળાંતરની વિકટ પરિસ્થિતિ અંગે સરકારે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. માલધારીઓની સાથે સ્થળાંતરમાં પશુઓ હેરાન થાય છે. સાથે જ પરિવાર, બાળકોની લાચારીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિ પર સરકારે ધ્યાન આપી તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ તેવી માલધારીઓએ માગ કરી છે.
ગૌપ્રેમી એવા દાતાઓના સહયોગથી ગાયોને ઘાસચારો મળે તેવી અપીલઃજિલ્લામાં હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યાં જ પશુઓ માટે લીલાસુકા ઘાસચારાની અછત સર્જાઈ છે. બાકી સમયમાં માલધારીઓ અને પશુઓની હાલત કફોડી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. માલધારી વર્ગ પશુઓને સીમાડામાં ચરાવવા તો લઈ જાય છે, પરંતુ સીમાડામાં ભાગ્યે જ પશુઓના મોઢામાં કંઈક ખોરાક આવે છે. મોટા ભાગે પશુઓ ભૂખ્યા પેટે જાય છે અને ભૂખ્યા પેટે પરત આવતા હોય છે. ત્યારે ગૌપ્રેમી એવા દાતાઓના સહયોગથી ગાયોને ઘાસચારો મળી રહ્યો છે.
ગૌસેવા સમિતિએ 6,500 કિલોનો લીલો ઘાસચારો આપ્યોઃઉલ્લેખનીય છે કે, ગઈ કાલે લખપત વિસ્તારના હિજરત કરતા પગપાળા માલધારીઓનાં 800 જેટલા ગૌવંશજોને 6,500 કિલો લીલો ઘાસચારો ભૂજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ દ્વારા દાતાના સહયોગથી આપવામાં આવ્યો હતો. લખપત અને અબડાસા તાલુકાના ગામોમાંથી હિજરત કરી પગપાળા અન્યત્ર જઈ રહ્યાં છે. તેમને રોકવા કચ્છના વહીવટી તંત્રની સાથે સાથે તમામ શાસક પક્ષના રાજનેતાઓ દ્વારા પણ પગલાં લેવા સક્રિયતા દાખવી જરૂરી બન્યું છે. નહીંતર કચ્છ જિલ્લાનો મુખ્ય પશુપાલન ઉદ્યોગ પડી ભાંગશે અને આ ધરતી વેરાન બનતી જશે.
આ પણ વાંચોઃKutch News : સૂકા મલકમાં અત્યારથી જ માનવ-પશુ પાણી માટે તરસ્યા
ગૌપ્રેમી પરબત પટેલ છેલ્લાં 7 વર્ષોથી ગાયોને આપે છે સહારોઃલખપતના કૈયારી ગામના માલધારી હમીરભાઈ રબારીએ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તાર લખપતમાં ઘાસચારાની તંગી છે અને સૂકા બાવળના ઝાડ બાકી રહ્યા છે. ત્યારે હજી તો ઉનાળો શરૂ થયો છે. આવી પરિસ્થતિ છે. આ તો ખાનગી ફેક્ટરીના માલિક છેલ્લાં 7 વર્ષોથી તેમની ગૌશાળામાં અમારી ગાયોને 4થી 5 મહિના સહારો આપે છે અને રસ્તામાં પણ ઘાસચારો આપે છે. સાથે જ નવા જન્મેલા વાછરડાંઓને ગાડીમાં લઈ જાય છે અને ખૂબ સેવા કરે છે. સરકાર પણ ઘાસચારાની વ્યવસ્થા કરે તેવી માંગણી છે."