- ચાલુ વર્ષે ચોમાસામાં મેલેરિયાના કેસો વધ્યા
- જિલ્લામાં ચાલુ વર્ષે મેલેરિયાના 177 તથા ડેન્ગ્યુના 8 કેસો નોંધાયા
- આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા કામગીરી પણ હાથ ધરાઇ
કચ્છ: જિલ્લામાં એક તરફ ચોમાસુ શરૂ છે તથા બીજી બાજુ કોરોનાકાળ પણ ચાલી રહ્યો છે, ત્યારે હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ મેલેરિયાના કેસો વધ્યા છે. આ વખતે કચ્છ જિલ્લામાં સદભાગ્યે ચિકનગુનિયાનાનો એક પણ કેસ જોવા મળ્યો નથી. જ્યારે ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જિલ્લાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે અને શહેરના વિવિધ વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે તથા રોગચાળો અટકાવવા કામગીરી પણ હાથ ધરાઇ છે.
કુલ મેલેરિયાના કુલ 167 કેસ નોંધાયા
કચ્છ જિલ્લામાં વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2021માં મેલેરિયાના કેસમાં 6 ટકા જેટલો વધારો થયો હતો. ગત વર્ષે કચ્છ જિલ્લામાં ઓગસ્ટ મહિના સુધીની વાત કરવામાં આવે તો કુલ મેલેરિયાના કુલ 167 કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિના સુધી 177 કેસ નોંધાઇ ચૂક્યા છે. ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ સૌથી વધારે એટલે કે, 83 જેટલા મેલેરિયાના કેસ નોંધાયા હતા. આમ આ વખતે આ ચોમાસાની સીઝનમાં વાહક જન્ય રોગના કેસમાં વધારો થયો છે એમ કહી શકાય.
ચાલુ વર્ષે ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો
આ ઉપરાંત ચાલુ વર્ષે ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા છે જ્યારે ગત વર્ષે 31 કેસો નોંધાયા હતા માટે કહી શકાય કે ચાલુ વર્ષે જિલ્લામાં ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં ડેન્ગ્યુના 4 કેસો નોંધાયા હતા જ્યારે ગત મહિને એટલે કે ઓગસ્ટમાં 2 કેસો નોંધાયા હતા.