ભુજ: રેલવેના પ્રવકતાએ આપેલી સતાવાર વિગતો મુજબ પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, 22 સપ્ટેમ્બર 2020 થી ભુજ અને દાદર વચ્ચે પ્રતિદિન વિશેષ ટ્રેન ચલાવામાં આવશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે અને આગામી સૂચના સુધી ચાલશે.
કચ્છ અને મુંબઈ વચ્ચે સ્પેશિયલ ટ્રેન સેવાની મંજૂરી, સાંસદનો કોરોના નિયમ પાળવાનો અનુરોધ
કોરોના મહામારીના પગલે રેલવે વ્યવહાર બંધ હોવાથી કચ્છ અને મુંબઈ બંધ થયેલી આવન જાવન હવે શરૂ થઈ જશે. રેલવેએ ભુજ- મુંબઈ વચ્ચેની દાદરની સ્પેશિયલ ટ્રેન સેવાને મંજૂરી આપી દીધી છે. જે આગામી 22મી સપ્ટેમ્બર મંગળવારથી શરૂ થશે.
અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝા એ જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બર 2020 થી ટ્રેન નંબર 09116 ભુજ-દાદર સ્પેશિયલ ભુજથી દરરોજ 22.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 13.50 વાગ્યે દાદર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 09115 દાદર-ભુજ સ્પેશિયલ 23 સપ્ટેમ્બર 2020 થી દરરોજ 15:00 કલાકે દાદરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 07.00 વાગ્યે ભુજ પહોંચશે.
આ ટ્રેન ગાંધીધામ, ધ્રાંગધ્રા, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.આ વિશેષ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટીંગના રિઝર્વ કોચ ઉપલબ્ધ રહેશે. આ ટ્રેનોનું રિઝર્વેશન 21 સપ્ટેમ્બર, 2020 થી નોમિનેટેડ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટથી શરૂ થશે.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ રેલવે મંત્રાલયનો આભાર માનતા જણાવયું હતું કે, મહામારી વચ્ચે અનલોક 04 સાથે કચ્છ અને મુંબઈ વચ્ચે ટ્રેન સેવાની માંગ થઈ રહી છે. આ મુદ્દે રેલવે મંત્રાલયને રજૂઆત બાદ સ્પેશિયલ ટ્રેન સેવા મળી રહી છે ત્યારે પ્રવાસીઓએ કોરોના મહામારી સામે લડવાના ચોકકસ નિયમોનું પાલન કરવું પડશે અન્યથા સેવા બંધ થઈ જશે. જો લોકો નિયમ પાલન કરશે તો વધુ સેવા પણ મળી શકે છે.