15મા બન્ની પશુમેળાનું આયોજન કરાયું કચ્છઃ જિલ્લાનું બન્ની પશુધન સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાં પ્રખ્યાત છે. બન્ની પશુઓ પશુપાલકો માટે લાખેણા ગણાય છે. આ પશુઓમાંથી થતા દૂધ ઉત્પાદનને પરિણામે માલધારીઓ ને સારી એવી કમાણી થાય છે. બન્ની પશુઓની ખ્યાતિ ઓર વધે તેમજ તેમના ખરીદ વેચાણને એક પ્લેટફોર્મ મળી રહે તે માટે હોડકો(બન્ની) ગામે પશુમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
2008થી ભરાય છે બન્ની પશુમેળો બન્ની પશુમેળોઃ 2008થી આ બે દિવસીય બન્ની પશુમેળો યોજાય છે. આ વર્ષે 15મો બન્ની પશુમેળો યોજાયો છે. આ મેળાનું ઉદ્દઘાટન ભુજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કર્યુ હતું. આ પ્રંસગે પૂર્વ રાજ્ય પ્રધાન વાસણભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા. આ પશુ મેળામાં કચ્છના 45 ગામોના માલધારીઓ ભાગ લેતા હોય છે. જેમાં ખાવડા, હોડકા, ધોરડો, સુમરાસર, નાના અને મોટા દીનાળાનો સમાવેશ થાય છે.
પશુમેળાના આકર્ષણઃ બન્ની પશુમેળામાં મુખ્યત્વે પશુઓની લે વેચ થાય છે. આ ઉપરાંત અનેક આકર્ષણ પણ જોવા મળે છે. જેમાં વિવિધ ચીજવસ્તુઓ વેચતા સ્ટોલ અને પ્રદર્શન પણ જોવા મળે છે. આ ઉપરાંત વિવિધ રોમાંચક પ્રતિસ્પર્ધાઓ પણ થાય છે. જેમાં પશુઓની તંદુરસ્તી હરિફાઈ, કચ્છી ઘોડા દોડ, દૂધ દોહન હરિફાઈ વગેરે મુખ્ય છે. આ મેળાનું આકર્ષણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેમાં રાજ્યના જુદા જુદા વિસ્તાર તેમજ દેશમાંથી પણ પશુપાલકો પશુઓ જોવા તેમજ ખરીદ વેંચાણ માટે આવતા હોય છે.
બન્ની ભેંસ નેશનલ બફેલોઃ બન્ની વિસ્તારના લોકોની માંગણી હતી કે બન્ની ભેંસને નેશનલ બફેલો જાહેર કરવામાં આવે. આ માંગણીને પૂરી કરવા માટે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ મહેનત કરી અને છેવટે બન્નીની ભેંસને નેશનલ બફેલો જાહેર કરવામાં આવી. આ બિરુદ મળ્યા બાદ બન્નીની ભેંસોનો વેપાર કરતા, પશુપાલન કરતા માલધારીઓનો ઘણો આર્થિક વિકાસ થયો છે.
પશુઓના સારા આરોગ્ય અને ઉછેર માટે તેમજ સરકારી યોજનાઓ માલધારીઓ સુધી પહોંચે તે માટે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 2008થી પશુમેળાનું આયોજન કરવામાં આવે છે. આગામી સમયમાં આ વિસ્તારના પશુપાલન પર નિર્ભર ગામોને એનિમલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવે તેવા પ્રયત્નો પણ સરકાર દ્વારા કરવામાં આવશે...કેશુભાઈ પટેલ(ધારાસભ્ય, ભુજ)
2008માં જ્યારે હું ભુજ વિસ્તારનો ધારાસભ્ય હતો ત્યારે આ પશુમેળાની શરૂઆત કરવામાં આવી હતી. બન્ની વિસ્તારનું પશુધન લાખેણું પશુધન છે. તે સમયના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માલધારીઓની અપેક્ષા મુજબ બન્નીની ભેંસને 'નેશનલ બફેલો' તરીકે માન્યતા આપવામાં આવી હતી.ત્યારથી કચ્છના બન્ની વિસ્તારની ભેંસની કિંમત ખૂબ વધી ગઈ છે...વાસણભાઈ આહીર(પૂર્વ રાજ્ય પ્રધાન, ગુજરાત સરકાર)
ખાસ કરીને કાંકરેજ ગાય અને બન્ની ભેંસની અલગ અલગ હરિફાઈઓ યોજાય હોય છે. આ પશુઓની દૂધ દોહન, તંદુરસ્તીની હરિફાઈ થાય છે. આ મેળા દ્વારા માલધારીઓમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્ય છે. બન્ની ભેંસને 'નેશનલ બફેલો' તરીકે માન્યતા મળ્યા પછી ભેંસની કિંમત ઘણી વધી છે. સરહદ ડેરી અને મહી ડેરીના આવ્યા બાદ દૂધના ભાવ પણ સારા મળી રહ્યા છે...સાલેમામદ હાલેપોત્રા (પ્રમુખ, બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન, ભુજ)
- Video Viral : નાગ-નાગણનો પ્રેમ કેમેરામાં થયો કેદ, અદભૂત વીડિયો થયો વાયરલ
- ગોળાકાર શીંગડાવાળી ભેંસોની હરીફાઈએ પશુ મેળામાં જમાવ્યું આકર્ષણ