ભૂજ: શહેરના અદાણી ગ્રુપ સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલને કોરોના વાયરસ-કોવિડ-19ના દર્દીઓ માટે ઉપચાર અર્થે અનામત રાખ્યા પછી અત્યારે દાખલ થયેલા દર્દીઓની નિયમિત સારવાર ઉપરાંત તેમનામાં કોરોના સામે લડવા રોગપ્રતિકારક શક્તિનો સંચાર થાય એ હેતુસર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ભૂજની જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલના આહારશાત્રી હીરવા ભોજાણીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને સમયસર અપાતા ચા-નાસ્તો, ભોજન ઉપરાંત અહીં સારવાર માટે મુકાયેલા કોરોનાના ચાર કોરોના વોર્ડના દર્દીઓની વિશિષ્ટ સંભાળ લેવામાં આવે છે.
આ કાળજી અને દેખભાળ સંદર્ભે કોરોનાના દર્દીઓને દૈનિક ધોરણે 8 જેટલી ખોરાકી સેવા આપવામાં આવે છે. કોરોનાના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું લક્ષ મહત્ત્વનું હોવાથી અન્ય ખોરાક ઉપરાંત સવારે 9 વાગ્યે આયુર્વેદ ઉપચારના માધ્યમથી તુલસી, આદુ અને મરીના પાવડરયુક્ત હર્બલ ટી આપવામાં આવે છે.