ગુજરાત

gujarat

ETV Bharat / state

Manav Jyot Sanstha : 30 વર્ષીય માનસિક અસ્વસ્થ યુવક પરિવારથી થયો હતો વિખૂટો, માનવ જ્યોત સંસ્થાએ કરાવ્યું પુનઃમિલન - Human Services Trust

ભુજની માનવ જ્યોત સંસ્થાએ માનસિક અસ્વસ્થ યુવકનું તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે. મુંબઈનો 30 વર્ષીય યુવક 6 મહિના પહેલા પોતાના ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ વિવિધ શહેરોમાં તે ભટકતો રહ્યો. આખરે સોમનાથ ખાતે માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશ્રમમાં તે રહેતો હતો. જ્યાંથી માનવ જ્યોત દ્વારા તેના પરિવારને શોધીને યુવકને ફરી પરિવાર સાથે ભેંટો કરાવ્યો હતો.

Manav Jyot Sanstha
Manav Jyot Sanstha

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 9:51 AM IST

30 વર્ષીય માનસિક અસ્વસ્થ યુવક પરિવારથી થયો હતો વિખૂટો

કચ્છ :પરિવારથી વિખૂટા પડેલા લોકોને ફરી તેમના પરિવાર સાથે મિલન કરવાનું કાર્ય કરતી સંસ્થા એટલે, ભુજની માનવ જ્યોત સંસ્થા. આ સંસ્થાએ બાસ્કેટબોલની રમતમાં કુશળતા ધરાવતા 30 વર્ષીય યુવકનું 6 મહિના બાદ તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. માનસિક સ્થિતિ બગડતા પરિવારથી 6 મહિનાથી દૂર થયેલા આશાસ્પદ ખેલાડીને માનવ જ્યોત સંસ્થાએ તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

માનસિક અસ્વસ્થ યુવક : માનવ જ્યોત સંસ્થાના જણાવ્યા અનુસાર મૂળ નેપાળના અને હાલમાં મુંબઈ વસતા સિંઘ પરિવારનો પુત્ર નીતિન છ મહિના અગાઉ એકાએક ગુમ થયો હતો. માનસિક સ્વાસ્થ્ય સારું ન હોવાથી નીતિન પોતાના ઘરેથી નીકળી પડ્યા બાદ વિવિધ શહેરોમાં ભટકતો હતો. ત્યારે હવે છ મહિના બાદ ભુજની માનવ જ્યોત સંસ્થા દ્વારા યુવકનું પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.

ઘર છોડી નીકળી ગયો : આ અંગે માહિતી આપતા માનવ જ્યોતના પ્રમુખ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, નીતિન સિંઘને બાળપણથી જ રમતગમત ક્ષેત્રે રુચિ હતી. તેણે બાસ્કેટબોલની રમતમાં કુશળતા મેળવી હતી. પુત્રની રમતમાં કુશળતા જોઈને નીતિનની કારકિર્દી માટે તેનો પરિવાર નેપાળથી મુંબઈ આવીને અંધેરી વિસ્તારમાં સ્થાયી થયો હતો. છ મહિના પહેલા માનસિક સ્વાસ્થ્ય બગડતા નીતિન પોતાના ઘરેથી નીકળી ગયો હતો. ભટકતા ભટકતા તે સોમનાથ પહોંચી ગયો હતો. જ્યાં માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશ્રમ ખાતે તેની સેવા કરવામાં આવી હતી. ત્યારબાદ ભુજના સામાજિક કાર્યકર દ્વારા તેને ભુજ લઈ આવવામાં આવ્યો હતો.

આ રીતે થયું મિલન : સામાજિક કાર્યકર અને ભુજની માનવ જ્યોત સંસ્થા સાથે સંકળાયેલ રિતુ વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયા હતા. ત્યારે ત્યાં આ બાસ્કેટબોલ પ્લેયર નીતિનને જોઈ તેને તેના પરિવાર સાથે મિલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે તેને પોતાની સાથે ભુજ લાવ્યા હતા. રસ્તામાં જ મુંબઈ પોલીસના સહયોગથી ફોન પર નીતિનના પરિવારને શોધી કાઢ્યો હતો.

ઉમદા બાસ્કેટબોલ ખેલાડી : નીતિનના પરિવારના જણાવ્યા મુજબ નીતિન સિંઘ બાસ્કેટબોલ ક્ષેત્રે આગળ વધતો ગયો. આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ તે ભારત તરફથી પ્રતિનિધિત્વ કરનાર ટીમમાં રહીને તે રમ્યો હતો. આ ઉપરાંત નીતિને દુબઈ અને અમેરિકા ખાતે પણ બાસ્કેટબોલ મેચ રમી ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું છે. પરંતુ ત્યારબાદ સમયની સાથે તેનું માનસિક સ્વાસ્થ્ય બગડતા તેણે રમવાનું છોડી દીધું હતું. ઘર છોડીને તે ચાલ્યો ગયો હતો.

માનવ જ્યોત સંસ્થા : ભુજની માનવ જ્યોત સંસ્થા છેલ્લા 22 વર્ષથી દરેક ક્ષેત્રે સેવાકીય કાર્ય કરીને માનવતાની સુવાસ ફેલાવે છે. ભુજની માનવ જ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવર દ્વારા નીતિનના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નીતિનના ભાઈ અને બહેન તેને પોતાની સાથે પરત લઇ જવા માટે મુંબઈથી ભુજ આવી પહોંચ્યા હતા. માનવ જ્યોત સંસ્થા દ્વારા સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે નીતિનનું તેના પરિવાર સાથે મિલન થયું હતું.

  1. Helpline Jeevan Astha : આત્મહત્યા કરવા માંગતા સેંકડો લોકોને નવા જીવનની દિશા બતાવતી સંસ્થા એટલે જીવન આસ્થા, જાણો કઇ રીતે ઉપયોગ કરવો
  2. Bhuj Open Air Theatre : ભુજમાં સ્થિત ટાઉનહોલ અને ઓપન એર થિયેટર બન્યું ભંગાર વાડો

ABOUT THE AUTHOR

...view details