થોડા સમય પહેલા જ ખેડા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ગાર્ગી જૈને કાર્યભાર સંભાળ્યો હતો. જિલ્લાની કમાન પોતાના હાથમાં લેતાની સાથે જ તેમણે તાબાના અધિકારીઓ અને લોકો વચ્ચે અલગ અલગ છાપ ઉભી કરી છે. એસી ચેમ્બરમાં બેસી કામ કરવાના બદલે DDO ગાર્ગી જૈન ખેડા જિલ્લાના વિવિધ ગામોની સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરે છે. ગ્રામ્ય વિસ્તારમાં થતાં વિકાસના કામોની સમીક્ષા કરી જો તેમાં કોઈ ગોટાળો જણાય તો તાત્કાલીક જ પગલાં ભરે છે. ક્યારેક ગ્રામ પંચાયત, ક્યારેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ક્યારેક પ્રાથમિક શાળા તો ક્યારેક ગામડાનો અંતરિયાળ માર્ગ. તેઓ ગમે ત્યારે સ્થળ પર પહોંચી જઈ કામગીરીનું નિરીક્ષણ કરે છે.
તાજેતરમાં જ તેઓ મહેમદાવાદ તાલુકાના રૂદણ અને કનીજ ગામે આકસ્મિક તપાસ કરવા પહોંચી ગયા હતાં. જેમાં રૂદણ ગામમાં RCC રોડની કામગીરી તકલાદી થઈ હોવાનું માલુમ પડયુ હતું. જેથી તેના માટે જવાબદાર તલાટી, સરપંચ અને કમ્પલેશન સર્ટિફિકેટ આપનાર ઈજનેર સામે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા. જ્યારે રૂદણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તપાસ કરતા તેની આરોગ્યલક્ષી કામગીરી ખૂબ જ નબળી હોવાનું તેમના ધ્યાનમાં આવ્યુ હતું. જેથી તેનો રિપોર્ટ તૈયાર કરીને મોકલી આપવા પણ આદેશ કર્યો હતો. જયારે કનીજ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા આરોગ્યલક્ષી સેવાઓ ખૂબ જ સારી અને યોગ્ય માલુમ પડી હતી તેમજ સ્વચ્છતા પણ જળવાતી હોવાનું જોવા મળતા પ્રશંસા કરી આરોગ્ય કેન્દ્રની કામગીરીને બિરદાવી હતી.