ખેડાઃ ટોક ઓફ ધી સ્ટેટ બનેલા સિરપ કાંડનો વધુ એક યુવક શિકાર બન્યો છે. અત્યાર સુધી નકલી નશીલી સિરપ કાંડમાં કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. પોલીસે 5 આરોપીઓની ધરપકડ પણ કરી છે. હવે ખેડાના નડિયાદમાં રહેતા યુવકની તબિયત આ નશીલી સિરપના સેવનથી કથળી ગઈ છે. તેને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ નડિયાદના મરીડાની કર્મવીર સોસાયટીમાં 40 વર્ષીય હેમંતકુમાર રતિલાલ ચૌહાણ રહે છે. બનાવના દિવસે ઘરકંકાસથી પરેશાન થઈને હેમંતકુમાર ઘર છોડીને જતો રહ્યો હતો. તે બિલોદરાના હરિઓમ આશ્રમની બાજુમાં શેઢી નદીના કિનારે પહોંચ્યો હતો. અહીં તેણે ફેંકી દેવાયેલ નકલી અને નશીલી આયુર્વેદિક સિરપની બોટલો નજરે ચઢી. જેમાંથી કેટલીક બોટલો ખાલી હતી તો કેટલીક ભરેલી હતી. હેમંતકુમારે બે ભરેલી બોટલો ઘરે લાવીને તેમાંથી એક બોટલમાં રહેલ પ્રવાહી પી લીધું હતું. ત્યારબાદ તેમની તબિયત કથળી ગઈ હતી. પરિવારે તાત્કાલીક 108 બોલાવીને યુવકને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. હોસ્પિટલના તબીબે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સિવિલ પહોંચી ગઈ હતી. પોલીસે યુવકને સિરપ વિશે પુછતા તેણે શેઢી નદીના કિનારેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું.