ખેડાઃ ગણેશ મહોત્સવના તહેવાર દરમિયાન શાંતિ અને સલામતી પૂર્વક શોભાયાત્રા તેમજ ગણેશપ્રતિમા વિસર્જિત થાય તે માટે પોલીસ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા પ્રતિવર્ષ પોલીસ બંદોબસ્ત સહિતનું વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. લોકોની સુવિધા તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા દર વર્ષે આયોજન થતું હોય છે. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કોરોના મહામારીને પગલે તમામ જાહેર ઉજવણી સભા-સરઘસ, શોભાયાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે ગણેશ વિસર્જન અંગે ખેડા જિલ્લામાં તેમજ નડિયાદ શહેરમાં કોઈપણ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી નથી. તંત્ર દ્વારા લોકોને સરકારી ગાઈડલાઈનને ચુસ્ત રીતે પાલન કરીને ગણેશ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે.
ગણેશ વિસર્જનઃ ખેડામાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નહી, ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ - ગણેશપ્રતિમા વિસર્જિત
કોરોના મહામારીને લઈને સરકાર દ્વારા વિવિધ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેને પગલે વિવિધ ધાર્મિક, સામાજિક મેળાવડા તેમજ તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવામાં ગણેશ વિસર્જન દરમિયાન ખેડા તંત્રએ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા કહ્યું છે.
ગણેશ વિસર્જન
પ્રતિવર્ષ નડિયાદ શહેરમાં કોલેજ રોડ પર આવેલી મોટી નહેર ખાતે ગણેશ પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવતી હોય છે. જ્યાં તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. જોકે તેમ છતાં લોકો દ્વારા પોતાની રીતે નહેરમાં ગણેશમૂર્તિ વિસર્જિત કરવામાં આવી રહી છે.