ખેડા: જિલ્લાના નડિયાદ તાલુકાના હાથનોલી ગામેથી ખેતરમાંથી ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ખેડા એસ ઓ જી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું.પોલીસે ખેતરમાંથી 1.32 લાખની કિંમતના 19 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા.જ્યારે ગાંજાના છોડનું વાવેતર કરનાર ખેડૂત ફરાર થઈ ગયો હતો.પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Kheda News: ખેડામાં ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેતરમાંથી 1.32 લાખની કિંમતના 19 લીલા ગાંજાના છોડ મળી આવ્યા
ખેડા એસઓજીને મળેલી બાતમીને આધારે હાથનોલી ગામમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન ખેતરમાંથી ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતું. પોલીસ હાલ અંગે તપાસ કરી રહી હતી.
આરોપી ફરાર થઈ ગયો:પોલીસની ટીમ દ્વારા ખેતરમાં તપાસ કરવામાં આવતા 19 જેટલા લીલા ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રૂપિયા 1,32,900 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.જ્યારે ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપી વજેસિંહ રાઠોડ ફરાર થઈ જવા પામ્યો હતો.પોલીસ દ્વારા સમગ્ર મામલે તેની સામે ગુનો નોંધી ઝડપી પાડવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એનડીપીએસ એક્ટ હેઠળ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
ખેડા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની યાદી મુજબ:સ્ટાફના જે.વી.વાઢીયા તથા એસ.ઓ.જી સ્ટાફના પોલીસ કર્મચારી એસ.ઓ.જી કચેરીએ હાજર હતા. તે દરમિયાન માહિતી મળેલ કે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રહેતા વજેસિંહ દેસાઇભાઇ રાઠોડ રહે.સીલોડ, હાથનોલી રોડ, તા. નડીયાદ જી. ખેડા પોતાની માલિકીના કબજા ભોગવટાના ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાનું વાવેતર કરેલ હોવાની હકીકત આધારે સદર જગ્યાએ એસ.ઓ.જી પોલીસ સ્ટાફ તથા સરકારી પંચો સાથે રેઇડ કરતા સદર આરોપીના માલિકીના કબજા ભોગવટાના ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના કુલ છોડ નંગ- 19 જેમાં કુલ વજન 13 કિલો 290 ગ્રામ કુલ કિં.રૂપિયા 1,32,900 ના વાવેતર કરી રેઇડ દરમ્યાન સદર આરોપી હાજર નહિ મળી આવેલ હોય તેઓ વિરૂદ્ધમાં એન.ડી.પી.એસ. એક્ટ 1985 ની કલમ 8(સી),20(એ)(1) મુજબની ફરીયાદ આપી નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ આગળની વધુ તપાસ નડિયાદ રૂરલ પોલીસને સોંપવામાં આવેલ છે.