નડિયાદઃ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઈમીટેશન જવેલરીનો ધંધો ઠપ્પ થઈ જવા પામ્યો છે. સામાન્ય રીતે નવરાત્રિના કેટલાંક સમય અગાઉથી ઇમિટેશન જ્વેલરી તેમજ મેકઅપ સહિતની વસ્તુઓનો સ્ટોક કરી વેચાણ થતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે નવરાત્રી બંધ રાખવાનો નિર્ણય ઇમિટેશન જ્વેલરીના વેપારીઓ માટે પડ્યા પર પાટુ સમાન નીવડયો છે.
કોરોના અસરઃ નવરાત્રી બંધ રહેતા ઈમિટેશન જ્વેલરીનો ધંધો ઠપ્પ - jewellery business
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે કોરોનાને લઈ નવરાત્રી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાને લઈ ઈમિટેશન જ્વેલરીના ધંધા પર પણ ખુબ પડી છે.
સામાન્ય રીતે નવરાત્રીના એકાદ મહિના અગાઉથી જ ઈમિટેશન જ્વેલરીના વેપારીઓ દ્વારા દુકાનોમાં નવો સ્ટોક કરી દેવામાં આવતો હોય છે. તેમજ ખેલૈયાઓ દ્વારા ખરીદી પણ શરૂ થઈ જતી હોય છે. જેમાં નેકલેસ, ઓકસોડાઈઝ બેંગલ્સ, ગળાનો સેટ, બાજુબંધ, બલૈયા, નથણી, પાયલ વગેરેની ધૂમ ખરીદી થતી હોય છે. દુકાનોમાં ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે નવરાત્રિ બંધ રહેતા દુકાનો પર સન્નાટો જોવા મળી રહ્યો છે. ઇમિટેશન જ્વેલરીના વેપારીઓ ભારે નિરાશા અનુભવી રહ્યા છે. આ વર્ષે નવરાત્રી બંધ રહેવાના પરિણામે નવો સ્ટોક ભરવામાં આવ્યો નથી. તેમજ દુકાનો પર કોઈ ખરીદનાર પણ નથી. દુકાનમાં જે સ્ટોક પડી રહ્યો છે તે જેમનો તેમ છે. હવે ઘરાકી થાય તેવી પણ કોઈ આશા આ વેપારીઓ રાખી રહ્યા નથી. ત્યારે સામાન્ય રીતે દર વર્ષે મોટા વેપારીઓને સરેરાશ ત્રણ થી પાંચ લાખ રૂપિયા કે તેથી વધુ ઈમિટેશન જ્વેલરીનો વેપાર થતો હોય છે. જ્યારે આ વર્ષે વ્યાપારીઓની હાલત કફોડી બની છે.
કોરોનાને કારણે લોકડાઉનમાં ધંધા બંધ રહ્યા બાદ હવે વેપાર માટે વર્ષની મુખ્ય સીઝન ગણાતી નવરાત્રિ બંધ રાખવાનો નિર્ણય ઇમિટેશન જવેલરીના વેપારીઓ માટે પડ્યા પર પાટું સમાન બની રહ્યો છે.