જૂનાગઢ : જૂનાગઢના જીવદયા પ્રેમીઓની મહેનત રંગ લાવી એમ કહી શકાય છે.મકરસંક્રાંતિના દિવસો દરમિયાન પતંગની કાતિલ દોરી પક્ષીઓ માટે પ્રાણ ઘાતક સાબીત થતી હોય છે. જેને કારણે પાછલા કેટલાક વર્ષોથી મકરસંક્રાંતિના દિવસો દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર મળી શકે તે માટેનું અભિયાન જીવદયા ટ્રસ્ટ દ્વારા જુનાગઢ શહેરમાં શરૂ કરવામાં આવ્યુ હતુ. પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે પક્ષીઓ અને ખાસ કરીને કબૂતરો પતંગની દોરીથી ઈજા અને તેના મોતની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. જેને કારણે આ વર્ષનું જીવદયા પ્રેમીઓનું પક્ષી બચાવો અભિયાન ખરેખર સફળ બન્યું હોય તેવું જોવા મળે છે.
Uttarayan 2024 : પતંગની દોરીથી ઈજા અને પક્ષીઓના મોતની સંખ્યામાં મોટો ઘટાડો, જૂઓ કોની મહેનત રંગ લાવી - પતંગની દોરીથી ઈજા
મકરસંક્રાંતિનો તહેવાર પક્ષીઓ અને ખાસ કરીને કબૂતરો માટે પ્રાણઘાતક સાબિત થતો હોય છે. જેને લઈને સંક્રાંતિના દિવસો દરમિયાન જીવદયા ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ બચાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેને ખૂબ સારી સફળતા મળી છે. જૂનાગઢમાં પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે પતંગની દોરીથી ઈજા અને પક્ષીઓના મોતની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.
Published : Jan 15, 2024, 3:29 PM IST
48 કલાક કાર્યકરો ખડેપગે : જૂનાગઢનું જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ પાછલા ઘણા વર્ષોથી મકરસંક્રાંતિના દિવસો દરમિયાન તબીબો અને તેમના સ્વયંસેવકો સાથે સતત હાજર જોવા મળે છે. આ વર્ષે પણ 35 સભ્યોની બનેલી ટીમે સૌથી ઓછા સમયમાં પક્ષીઓને રેસ્ક્યુ કરી શકાય તે માટેનું અભિયાન પણ શરૂ કર્યું હતું. જેમાં દસ મિનિટની અંદર પતંગની દોરીમાં ફસાયેલા પક્ષી સુધી પહોંચીને તબીબો અને જીવદયા પ્રેમીઓના કર્મચારીઓએ સૌથી ઓછા નુકસાન સાથે પક્ષીને ફરી પાછું ઉડવા માટે સક્ષમ બનાવ્યું હતું. આ વર્ષે ઉતરાયણમાં મોટેભાગે કબૂતરો સૌથી વધારે ઇજાગ્રસ્ત થયા હતા. પરંતુ એક ઘુવડનું બચ્ચું પણ દોરીથી ઇજાગ્રસ્ત થયેલું જોવા મળ્યું હતું. જેને વન વિભાગને સુપ્રત કરીને તેનો સારવાર થયા બાદ જીવ બચી ગયો છે.
જીવદયા ટ્રસ્ટે આપી વિગતો : જુનાગઢ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિતેશ સંઘવીએ ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અને આ વખતે ઉત્તરાયણના સમય દરમિયાન પક્ષીઓની ઇજા અને મોતના સંખ્યામાં ઘટાડો કરવામાં તેમને સફળતા મળી છે. સોશિયલ મીડિયા અને માધ્યમો દ્વારા પણ ખૂબ સારો સહકાર મળ્યો છે. ખાસ કરીને લોકો હવે સ્વયં જાગૃત બન્યા છે અને ઇજાગ્રસ્ત પક્ષીને તેમના બનતા પ્રયત્નથી સારવાર આપીને મુક્ત કરાવ્યા છે. ગત વર્ષે પહેલા દિવસે 26 પક્ષીઓ દોરીથી ઈજાગ્રસ્ત થયા હતાં જેમાં 6 ના મોત થયા હતાં. તો આ વર્ષે 16 પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા છે અને માત્ર 03 પક્ષીઓના મોત પતંગની ઘાતક દોરીને કારણે થયા છે.