જૂનાગઢઃ પોતાની અને અન્યની સલામતીના મુદ્દે કોરોના વાયરસના સમયમાં જેટલું વિચારવામાં આવી રહ્યું છે તેટલું સારું જ છે. ‘ચેતતા નર સદા સુખી’ એ કહેવતને જૂનાગઢના આ દુકાનદારે અપનાવી લીધી છે અને અનાજ વિતરણ માટે ઉપયોગી પદ્ધતિ અપનાવી લીધી છે.
જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનના માલિકે રાશન વિતરણ માટે આ રીતે અપનાવી 'દો ગજ દૂરી'
જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારે કોરોના વાઈરસને લઈને ગ્રાહકોને વધુ સચેત કર્યાં છે. કોરોનાને અટકાવવાના ગાઈડલાઈન્સ મુજબના તમામ સાવચેતીના પગલાં ચૂસ્તપણે પાલન કરવા માટે સુરક્ષિત વ્યવસ્થા અમલમાં મૂકી છે.
ત્રીજા તબક્કાના લોકડાઉનમાં બીજી વખત સસ્તાં અનાજની દુકાનોમાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર ગૃહવિભાગ અને આરોગ્ય મંત્રાલય દ્વારા ધારાધોરણ અને સાવચેતીના દિશાનિર્દેશો જાહેર કર્યા છે તેનું સંપૂર્ણપણે પાલન કરીને ગ્રાહકોને સસ્તા અનાજનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે. ગ્રીન ઝોન એવા જૂનાગઢ જિલ્લામાં સસ્તા અનાજની દુકાને જ્યારે ગ્રાહકો રાશન લેવા આવે ત્યારે દો ગજની દૂરી, માસ્ક અને સેનિટાઈજર ફરજિયાત કરવામાં આવ્યું છે. જેનું પાલન ગ્રાહકો અને દુકાનદારો કરી રહ્યાં છે. રાશન લેવા આવતાં દરેક વ્યક્તિએ માસ્ક ફરજિયાત બાંધીને આવવા તેમ જ દુકાને આવ્યાં બાદ દરેક વ્યક્તિએ પોતાના હાથ સેનિટાઈઝ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.