- કેન્દ્ર સરકારે યુરિયા સહિત રાસાયણિક ખાતરોમાં કર્યો 175થી 300 રૂપિયા સુધીનો વધારો
- સરકારના ભાવ વધારાના નિર્ણયને જુનાગઢ જિલ્લાના ખેડૂતોએ ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ
- ખેડૂતોની આવક સામે જાવક ચાર ગણી થતા જગતનો તાત મૂંઝાયો
જૂનાગઢમાં ખાતર-બિયારણમાં સરેરાશ 30 ટકાના ભાવ વધારાનો વિરોધ
કેન્દ્ર સરકારે તાજેતરમાં રાસાયણિક ખાતરોમાં પ્રતિ બોરી 175થી 300 રૂપિયા સુધીનો તોતિંગ વધારો કરતાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે, સરકારે ખેડૂતોની આવક વધારવાની વાતો કરી હતી. તેની જગ્યાએ જાવક ચાર ગણી થઇ ગઇ છે. ત્યારે, રાસાયણિક ખાતરોમાં કરેલા ભાવ વધારાને પરત ખેંચે તેવી માંગ કરી રહ્યા છે.
જૂનાગઢ: તાજેતરમાં જ કેન્દ્ર સરકારે યુરિયા ડીએપી સહિત રાસાયણિક ખાતરોના ભાવોમાં 175થી લઈને 300 રૂપિયા સુધીનો તોતિંગ ભાવ વધારો ઝીંકી દીધો છે. જેને લઇને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો કેન્દ્ર સરકારના આ પગલાને મનસ્વી અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યા છે અને તાકીદે કેન્દ્ર સરકાર ભાવ વધારો પાછો ખેંચીને જગતના તાતને આર્થિક સહાય માં મદદરૂપ બને તેવી માંગ કરી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માની રહ્યા છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને 25 પૈસાની સહાય કરીને તેમના ગજવામાંથી પૂરા 100 પૈસા મનસ્વી રીતે સેરવી રહી છે. સરકારની ખેડૂત વિરોધી નીતિ અને માનસ સામે હવે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.