ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મેળો યોજાય છે જૂનાગઢઃમહાશિવરાત્રિના મહાપર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે વાત કરીશું ભવનાથની ગિરિ તળેટીમાં યોજાતા શિવરાત્રિ મેળાની. મહા શિવરાત્રિનો તહેવાર દેશ અને દુનિયામાં ઉજવવામાં આવશે. ત્યારે ભવનાથ તળેટીમાં પણ આદિઅનાદી કાળથી મહાશિવરાત્રિના મેળાનું આયોજન થતું રહ્યું છે.
આ પણ વાંચોઃMaha Shivratri 2023: શિવરાત્રી મેળાને લઈને સાધુ-સંતો અને વહીવટી તંત્રના અધિકારીઓ કરશે પરામર્શ
ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મેળો યોજાય છેઃ જોકે, આ મેળો અત્યાર સુધીના ઈતિહાસમાં સતત 5 વખત બંધ રાખવાની ફરજ જૂનાગઢના નવાબ અને જેતે સમયના સત્તાધીશોને પડી હતી, જેના પ્રાચીન ગ્રંથોમાં પુરાવાઓ આજે પણ જોવા મળે છે. મહાશિવરાત્રિનો મેળો જૂનાગઢમાં ભગવાન શ્રીકૃષ્ણના સમયથી આયોજિત થતો આવ્યો છે. મહા શિવરાત્રિનો તહેવાર અને મેળાની શરૂઆત પણ શ્રીકૃષ્ણએ કરાવી હોવાની ધાર્મિક માન્યતા અને પુરાવાઓ આજે પણ મહાભારતના ગ્રંથમાં જોઈ શકાય છે.
ઈતિહાસમાં 5 વખત બંધ રહ્યો મેળોઃ વર્ષ 1944-45 અને 1946 એમ સળંગ 3 વર્ષ અને વર્ષ 2021 તેમ જ 2022માં કોરોના સંક્ર્મણને કારણે આ મેળો બંધ રાખવાની ફરજ પડી હતી. વર્ષ 1944માં સમગ્ર વિશ્વ બીજા વિશ્વયુદ્ધમાં પડ્યું હતું, જેને ધ્યાને રાખીને આ મેળાને બંધ રાખવાનો નિર્ણય જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજા દ્વારા કરવામાં આવ્યો હતો. તેની જાહેરાત દસ્તુર અલ અમલમાં પણ કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 1945માં સમગ્ર રાજ્યમાં શીતળા નામની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે શીતળાની જીવલેણ તાકાત મેળા સુધી ન પહોંચે અને મેળામાં આવનારા કોઈ પણ શિવભક્ત શીતળા નામના રોગનો શિકાર ન બને તેને ધ્યાને રાખીને શિવભક્તોના આરોગ્ય અને સુરક્ષા ના ભાગરૂપે મેળો બંધ રાખવાની ફરજ પડી હતી.
વર્ષ 1946માં ખાંડ અને કેરોસીનની અછતના મેળો કરાયો રદઃઉપરાંત વર્ષ 1946માં રાજ્ય સરકારે મેળાના આયોજન અને તેની જરૂરિયાતને લઈને અસમર્થતા દર્શાવી હતી, જેને કારણે મેળો બંધ રાખવાની ફરજ પડી હતી. વર્ષ 1946માં જેતે સમયના શાસકોએ મેળામાં આવનારા દરેક પ્રવાસી અને શિવ ભક્તોએ સાથે ખાંડ અને કેરોસીન લઈને આવવું તેવો વટહુકમ જાહેર કર્યો હતો. જેતે સમયના શાસકોએ વર્ષ 1946માં ખાંડ અને કેરોસીન પૂરું નહીં પાડવામાં આવે તેવી અસમર્થતા દર્શાવવામાં આવતા વર્ષ 1946નો મહાશિવરાત્રિનો મેળો પણ અંતે રદ જાહેર કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃMaha Shivratri 2023 : શિવ પાર્વતીજીના લગ્ન રોકવા માગતો હતો કાળકાસૂર રાક્ષસ, જાણો મહાશિવરાત્રિ વિશે
વર્ષ 2021 અને 22 માં કોરોનને કારણે મેળો રદઃશિવરાત્રિના ઇતિહાસમાં સતત 3 વર્ષ અનિવાર્ય સંજોગોના કારણે મેળો બંધ રહ્યા બાદ ફરી વર્ષ 2021 અને 2022માં સમગ્ર વિશ્વના દેશોમાં કોરોના સંક્ર્મણે હાહાકાર મચાયા બાદ મહાશિવરાત્રિનો મેળો સતત 2 વર્ષ સુધી બંધ રાખવામાં આવ્યો હતો, પરંતુ ધાર્મિક પરંપરા મુજબ, મેળાને પ્રતિકાત્મક રીતે કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વર્તમાન સમયમાં મેળામાં થતું આયોજન અને અહીં ઊભા કરવામાં આવતા સેવા કાર્યોને લઈને સરકાર હવે માત્ર એજન્સી પૂરતી સીમિત થઈ ગઈ છે અને સમગ્ર મેળાના સંચાલનથી લઈને ઉતારા મંડળ અને તમામ સુખસુવિધાઓ અહીં આવતા સામાજિક સંગઠનો ઊઠાવી રહ્યા છે. એક માત્ર સુરક્ષા અને અન્ય જરૂરિયાતો સરકાર કે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. અન્ય તમામ જરૂરિયાતો સામાજિક સંસ્થાઓ અખાડાઓ અન્નક્ષેત્રો અને ભવનાથમાં આવેલા મંદિરો સુપેરે નિભાવી રહ્યા છે.