- બાવળનાં ઝાડ નીચે ખાડામાં એક સ્કુલ બેગમાં છૂપાવ્યા હતા હથિયાર
- ગેરકાયદેસર હથિયારો આશરે દશ મહીના પહેલા રાણાવાવ ના શખ્સે આપ્યાનું ખુલ્યું
- પોલીસ વડાએ ઘટનાનાં મૂળ સુધી પહોંચવા માટે આપી હતી ખાસ સૂચના
પોરબંદર : જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તટસ્થ રીતે તપાસ કરી તેનાં મૂળ સુધી પહોંચવા માટે સૂચના આપી હતી. જે અન્વયે પોલીસે પકડેલા એક નાસતા ફરતા આરોપીની કડકાઈથી પૂછતાછ કરતાં તેને રાણાવાવ ગામની ભોરાસર સીમમાં ચાર તમંચાઓ સંતાડ્યા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ચારેય તમંચાઓ કબ્જે કર્યા હતા.
દશેક મહીના અગાઉ રાણાવાવનાં એક શખ્સે કુલ પાંચ હથિયારો આપ્યા હતા
LCBનાં ઈન્ચાર્જ PI એમ. એન. દવેના માર્ગદર્શન હેઠળ તપાસ કરનાર PSI એન. એમ. ગઢવી દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખનારા આરોપી રાજશી માલદેભાઇ ઓડેદરાનો જામનગરથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવીને રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીની કડકાઈથી પૂછપરછ કરતાં પોલીસે અગાઉ કબ્જે કરેલી પિસ્તોલ સિવાય અન્ય એક માર્કા વગરની પિસ્ટલ, દેશી હાથ બનાવટની માર્કા વગરની બે રિવોલ્વર અને દેશી હાથ બનાવટનો લોખંડની નાળવાળો તમંચો આશરે દશેક મહીના અગાઉ રાણાવાવ સ્થિત ગોપાલપરા ખાતે રહેતા એભા ઉર્ફે ભના જેઠાભાઇ ચાવડાએ આપ્યા હોવાનું જણાવ્યું હતું. રૂપિયા 31,000ની કિંમતનાં આ ચાર તમંચાઓ હાલ ક્યાં છે? તે અંગે પૂછવામાં આવતા તેને આ તમંચાઓ એક સ્કૂલ બેગમાં રાખીને રાણાવાવ ગામની ભોરાસર સીમમાં વાડીની બાજુમાં બાવળનાં ઝાડ નીચે ખાડામાં દાટી દીધું હતું. પોલીસે હથિયારો કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.