VHP Protest: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ નહીં થાય તો જૂનાગઢ VHP કરશે ઉગ્ર આંદોલન જૂનાગઢઃસુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ થવાથી રાજ્યભરમાં લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે પણ આ મામલે વિરોધ કર્યો હતો. સાથે જ મોહનથાળનો પ્રસાદ ફરી પૂર્વવત્ કરવામાં આવે તેવી માગ કરી હતી. ને જો આ માગ પૂરી કરવામાં નહીં આવે તો તેમણે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃAmbaji Temple: એવું શક્તિપીઠ જ્યાં પ્રસાદ લઈને થયો છે વિવાદ
મોહનથાળ પ્રસાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્રઃઅંબાજી મંદિરમાં આસ્થા સાથે જોડાયેલા મોહનથાળના પ્રસાદને બંધ કરવાની લઈને વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર શાખાએ પણ હવે વિરોધ શરૂ કર્યો છે. આજે શહેરના સંકટ મોચન હનુમાન મંદિરે પરિષદના કાર્યકરો દ્વારા આરતીમાં ભાગ લઈને મોહનથાળના પ્રસાદનું વિતરણ કર્યું હતું. જે રીતે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે. તેને લઈને હિન્દુવાદી સંગઠનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે, જે રોષ હવે સ્થાનિક નાનાનાના ગામડાઓ સુધી પણ પહોંચી રહ્યો છે. ત્યારે જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
મંદિરમાં VHPએ આરતીમાં ભાગ લીધો મોહનથાળનો બીજો અર્થ કૃષ્ણને પ્રિયઃસનાતન ધર્મ સંસ્કૃતિમાં વિવિધ મંદિરો અને દેવાલયોમાં અલગઅલગ પ્રકારના પ્રસાદનું ભક્તોમાં વિતરણ કરવાનું ધાર્મિક મહત્વ જોવા મળે છે. છેલ્લા 942 વર્ષ કરતાં પણ જૂની ધાર્મિક પરંપરા મુજબ મોહનથાળનો પ્રસાદ ધરાવે છે. મોહનથાળનો બીજો અર્થ કૃષ્ણને પ્રિય એવો પણ કરવામાં આવે છે, જેથી મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરમાં યથાયોગ્ય છે અને તેને ફરીથી બહાલ રાખવામાં આવે તેવી માગ પણ વિશ્વ હિન્દુ પરિષદે કરી છે.
ભાગવતમાં પણ મોહનથાળના પ્રસાદનો છે ઉલ્લેખઃસનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથ ભાગવતમાં પણ મોહનથાળના પ્રસાદનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. ભાગવતમાં થયેલા ઉલ્લેખ મુજબ, માતા યશોદાએ નંદલાલ કૃષ્ણ અને બલરામ માટે અનેક મીઠાઈઓ બનાવી હતી, જેમાં એક મીઠાઈ તરીકે મોહનથાળને પણ સામેલ કર્યો હતો. ત્યારથી મોહનથાળ મોહનને પ્રિય બન્યો છે. તેથી મોહનથાળને સીધી રીતે જગતગુરૂ કૃષ્ણ સાથે પણ સીધો સંબંધ જોવા મળે છે, જેનો ઉલ્લેખ ભાગવતમાં પણ જોવા મળે છે.
સંતોમહંતોએ પણ પ્રસાદ તરીકે સ્વીકાર્યોઃસનાતન ધર્મ સંસ્કૃતિની પ્રાચીન પરંપરા મુજબ, કેટલાક સાધુ સંતોએ તેમના ઈષ્ટદેવને થાળ ધરીને ભોજન પ્રસાદ ગ્રહણ કરવાની જે પરંપરા શરૂ કરી હતી. તેમાં પણ મોહનથાળનો ખાસ ઉલ્લેખ અને સામેલ કરવામાં આવતો હતો. આને લઈને પણ મોહનથાળ સનાતન ધર્મ સંસ્કૃતિમાં આદિ અનાદિકાળથી દેવોને ધરવામાં આવતા થાળમાં સર્વોત્તમ જોવા મળતો હતો, જેના પર હવે અંબાજીમાં વિવાદ શરૂ થયો છે.
આ પણ વાંચોઃDevotee Padyatra: અવરોધોનો સામનો કરી વૃદ્ધ ઊલટા પગે કરી રહ્યા છે યાત્રા, પહેલા દ્વારકા ને પછી જશે સોમનાથ
અલગ અલગ દેવોને ધરાય છે અલગ થાળઃસનાતન ધર્મ સંસ્કૃતિમાં દેવોને પ્રસાદ તરીકે અલગ અલગ ભાવ સાથે બનાવેલું ભોજન અર્પણ કરવાની પણ સનાતન ધર્મ સંસ્કૃતિની પરંપરા છે. તે આજે પણ જોવા મળે છે. ભગવાન શંકરના 11મા રૂદ્ર અવતાર હનુમાનજીને શ્રીફળસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાડુડી, શ્રી હરિકૃષ્ણને માખણ, વિરપુર જલારામ બાપાને ખીચડી, મહુડી ઘંટાકર્ણ મહાદેવને સુખડી, દાતાર પર્વત પર બિરાજતા દાતાર બાપુને ગિરનારી ખીચડી, ઉજ્જૈનમાં સ્થિત કાળ ભૈરવ દાદાને મદિરા, વારાણસીમાં મહાશિવરાત્રિના દિવસે મહાદેવને ભાંગનો પ્રસાદ અર્પણ કરવાની વિશેષ પરંપરા છે. તે મુજબ પાછલી અનેક સદીઓથી અંબાજીમાં મા અંબાને મોહનથાળનો પ્રસાદ ધરવાની પરંપરા જોવા મળતી હતી, જે હવે બંધ થતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ત્યારે જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ ફરીથી અંબાજીમાં મોહનથાળ નો પ્રસાદ શરૂ થાય તેવી માગ કરી રહ્યું છે.