જૂનાગઢઃ ભારતીય કિસાન સંઘ ખેડૂતોની વ્હારે આવ્યું છે. જેટ ગતિએ વધી રહેલા પેટ્રોલિયમના ભાવોને લઇને ખેડૂતોને ડીઝલમાં રાહત આપવાની માંગ કરી છે. પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલા ભાવને લઇને મોંઘવારી પણ સતત વધી રહી છે. ત્યારે જગતનો તાત ડીઝલમાં વધી રહેલા ભાવોને લઇને આર્થિક સંકળામણ અનુભવી રહ્યો છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કરીને ડીઝલમાં સબસિડી આપવી જોઈએ તેવી માંગ ભારતીય કિસાન સંઘે કરી છે.
ડીઝલના ભાવ
- જૂન 27, 2020 - 77.76 ₹/L +0.24
- જૂન 26, 2020 - 77.52 ₹/L +0.21
- જૂન 25, 2020 - 77.31 ₹/L +0.15
- જૂન 24, 2020 - 77.16 ₹/L 0.00
સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને જગતનો તાત આજે મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દરરોજ ડીઝલ અને પેટ્રોલના ભાવોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં ડીઝલ અને પેટ્રોલ માં સરેરાશ 8થી 10 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે, ત્યારે આધુનિક ટેકનોલોજીના સહારે ખેતી કરતા ખેડૂતોને પડ્યા પર પાટું સમાન માર પડી રહ્યો છે. જેને ધ્યાને રાખીને ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને ડીઝલમાં સબસીડી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.