જૂનાગઢ : ગિરનારની તળેટીમાં ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ દરમિયાન મહાશિવરાત્રી અને પરિક્રમાના મેળાનું આયોજન થાય છે. આ બે મેળામાં અંદાજિત 30થી 40 લાખ લોકો વર્ષ દરમિયાન આવતા હોય છે. આટલી મોટી સંખ્યામાં ભાવિકોનો ઘસારો ભવનાથ તળેટી તરફ જોવા મળે છે જેને કારણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ ખૂબ મોટી સમસ્યા બની રહ્યું છે.
પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધવાની સંભાવના : આ વર્ષે મહાશિવરાત્રીના મેળામાં 15 લાખની આસપાસ ભાવિકો પહોંચી શકે છે. જેને લઈને ભવનાથ તળેટી અને ગિરનાર ક્ષેત્રમાં પ્રદૂષણ અને ખાસ કરીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધવાની સંભાવના છે. ત્યારે પ્રદૂષણ ઘટે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને ભવનાથ સાધુ મંડળ દ્વારા આજે ગિરનારને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ કરાયું છે. જે આગામી મહાશિવરાત્રીના પર્વ સુધી અવિરતપણે જોવા મળશે. પરિક્રમાના માર્ગ પરથી આજે જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ભવનાથ સાધુ મંડળના મહામંડલેશ્વર હરગીરી મહારાજની સાથે તમામ સાધુ સંતોએ હાથમાં ઝાડુ પકડીને પરિક્રમા માર્ગ પર સફાઈ અભિયાન શરૂ કર્યું છે.
બે ટન કરતાં વધુ કચરાનો નિકાલ : અત્યાર સુધી પરિક્રમાના માર્ગ અને ભવનાથ તળેટી વિસ્તારમાંથી બે ટન કરતાં વધુ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરાયો છે. ત્યારે હજુ પણ પાંચથી સાત ટન કચરો ગિરનાર પર્વતમાં પરિક્રમાના માર્ગ પર હોવાની પૂરી શક્યતાઓ છે. ત્યારે આગામી મહાશિવરાત્રી સુધી સ્થાનિક સંસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર સાધુ સમાજ અને વિવિધ સરકારી કર્મચારીઓને ખાસ કરીને પોલીસ જવાનો દ્વારા ગિરનાર પર સતત સફાઈ અભિયાન ચાલતું રાખવામાં આવશે. આ વર્ષે પણ સામાજિક સંસ્થાઓએ પ્લાસ્ટિકનું પ્રદૂષણ પરિક્રમા માર્ગ પર ન થાય તે માટે કપડાની થેલીનું વિતરણ પણ કર્યું હતું. તેમ છતાં હજુ પણ પરિક્રમાના માર્ગ પર પ્લાસ્ટિકની કોથળીઓ અને બોટલો જોવા મળે છે.
જિલ્લા કલેકટરે આપી વિગતો : જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવશિયાએ જણાવ્યું હતું કે આ વખતની પરિક્રમામાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા છે. જેને કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. પરંતુ સામાજિક સંસ્થાઓને કારણે કેટલુંક પ્લાસ્ટિક જંગલની બહાર રાખવામાં વન વિભાગ જિલ્લા વહીવટી તંત્ર સાધુ સમાજ એનજીઓ અને પોલીસ વિભાગને સફળતા મળી શકે. પરંતુ આ પ્રયાસો આજે પણ પૂરતા માનવામાં આવતા નથી. આગામી મહાશિવરાત્રી અને નવા વર્ષે આવનારા પરિક્રમાના મેળાને લઈને પણ જિલ્લા વહીવટી તંત્ર વન વિભાગ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાધુ સમાજ સંયુક્તપણે તમામ ભાવિકો પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરે તે દિશામાં આજથી અભિયાન શરૂ કર્યું છે.
આવતા વર્ષે પીવાના પાણી અને કચરાપેટીની વિશેષ વ્યવસ્થા : જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા વધુમાં જણાવે છે કે આ વર્ષે પરિક્રમા દરમિયાન કચરાપેટીનો પ્રથમ વખત પ્રયોગ થયો છે જેમાં ધારેલી સફળતા મળી નથી. પરંતુ આગામી વર્ષમાં વધુ કચરાપેટીઓ પરિક્રમા માર્ગ પર ઉભી કરીને કચરો એક જગ્યા પર એકત્રિત રહે તેવું આયોજન કરવામાં આવશે. આ વર્ષે પરિક્રમા માર્ગ પર સાત જેટલા પાણીના પોઇન્ટ વધારીને તેને 23 કરવામાં આવ્યા છે. આગામી પરિક્રમામાં હજુ પણ પાણીના પોઇન્ટ વધુ ઉભા કરીને ભાવિકો પ્લાસ્ટિકની પાણીની બોટલ જંગલમાં ન લઈ જાય તેવી વ્યવસ્થા કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અત્યારથી જ ચિંતિત બન્યું છે. આગામી પરિક્રમામાં જાહેર શૌચાલય પરિક્રમાના માર્ગ પર બનાવવાને લઈને પણ જિલ્લા વહીવટી તંત્ર ગંભીરતાથી વિચારી રહ્યું છે.
- કમોસમી વરસાદની વચ્ચે ભાવિકોએ કરી લીલી પરિક્રમા, જાણો કેવો રહ્યો અનુભવ
- લીલી પરિક્રમાના અંતિમ દિવસે કમોસમી આફત, જંગલ વિસ્તારમાં વરસાદ પડતાં પરિક્રમાર્થીઓને મુશ્કેલી સાથે મોજ