જૂનાગઢ: હિન્દુ ધર્મમાં અમાસને ખૂબ જ ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ અમાસ સોમવારના દિવસે આવે તો તેને ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે, ત્યારે આજે સોમવાર અને અમાસના પુણ્યકાળ સમા સમયનું સર્જન થયું છે. આજના દિવસે દેવસ્થાનોમાં દર્શન અને પવિત્ર નદીઓ તેમજ ઘાટોમાં સ્નાન કરવાને પણ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, ત્યારે ભવનાથમાં આવેલા દામોદર કુંડમાં ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવીને પુણ્યશાળી બન્યા હતાં.
સોમવતી અમાસના પવિત્ર દિવસે દામોદર કુંડમાં ભાવિકોએ લગાવી આસ્થાની ડૂબકી - સોમવતી
આજે સોમવારે છે સોમવતી અમાસનો પુણ્યકાળ સમો સમન્વય. આજના દિવસે ત્રણેય લોકના દેવતાઓ પવિત્ર નદીઓ તીર્થસ્થાનોના જળમાં સમાવિષ્ટ થતા હોય છે. જેને લઇને આજે સોમવારના દિવસે પવિત્ર નદીઓ અને ધાર્મિક સ્થાનોમાં સ્નાન કરવાનો મહિમા હિન્દુ ધર્મમાં આલેખવામાં આવ્યો છે.
દામોદર કુંડમાં ભાવિકોએ લગાવી આસ્થાની ડૂબકી
સોમવતી અમાસના દિવસે ભોળાનાથને પૂજાની સાથે પિતૃતર્પણ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવી છે. ભવિષ્યોત્તર પુરાણમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે આજના દિવસે ત્રણેય લોકના દેવતાઓ પવિત્ર નદીઓ અને તીર્થસ્થાનોના જળમાં સમાવિષ્ટ હોવાની ધાર્મિક માન્યતાને કારણે આજના દિવસે પવિત્ર જળમાં સ્નાન કરવાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, ત્યારે આજે સોમવારે પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવીને સોમવતી અમાસનું સ્નાન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.