જૂનાગઢઃ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં જાન્યુઆરી મહિનામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેમાં દેશભરના સાધુ, સંતો, મહામંડલેશ્વર વગેરેને આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા ગુજરાતના જૂનાગઢ સ્થિત ભવનાથની તળેટીના મંદિરો અને આશ્રમોના સંતોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કોને મળ્યું આમંત્રણ?: ભવનાથ તળેટીમાં આવેલા સુપ્રસિદ્ધ ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરી મહારાજને પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી, મહાદેવ ભારતીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભારતી આશ્રમ ઉપરાંત ગોરખનાથ આશ્રના શેરનાથ બાપુ, કમળકુંડના મહંત મહેશગીરી બાપુ, અવધૂત આશ્રમના મહંત મહાદેવ ગીરીનો સમાવેશ થાય છે. જૂનાગઢ સ્થિત અક્ષર પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમ એમ બંને સ્વામિનારાયણ સંસ્થાના ગાદીપતિઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જૂનાગઢમાં આવેલ વૈષ્ણવ સંપ્રદાયની બે મોટી હવેલીના બાવાશ્રીને વિધિવત રીતે આમંત્રણ પાઠવાયા છે.