જૂનાગઢ :ગીર પૂર્વનો બૃહદ ગીર વિસ્તાર દીપડાઓના ભયના કારણે સતત કાપી રહ્યો છે. છેલ્લા 15 દિવસ દરમિયાન બૃહદ ગીર વિસ્તારમાં દીપડાઓએ બાળક, યુવાન, ખેડૂત અને વૃદ્ધ મહિલાનો શિકાર કરતા સમગ્ર વિસ્તાર ભયભીત જોવા મળે છે. ત્યારે આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં દીપડાએ વૃદ્ધ મહિલાને શિકાર બનાવી છે. સતત વધતા જતા દીપડાના હુમલાને લઈને ગામ લોકોમાં હવે ચાર પગના આતંકથી ભારે ભય ફેલાયો છે.
વહેલી સવારે બની ઘટના :સરોવડા ગામમાં વહેલી સવારે દીપડાએ ઘાત લગાવીને હુમલો કરતા વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મહિલાના મૃત્યુ બાદ વન વિભાગે દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે. તો બૃહદ ગીર વિસ્તારમાં સતત વધતા દીપડાઓના હુમલાને લઈને આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ સરકારમાં રજૂઆત કરવાનું આશ્વાસન આપી રહ્યા છે, પરંતુ ખૂબ જ હિંસક બનેલા દીપડાઓને કારણે બૃહદ ગીર વિસ્તારના લોકો ભારે ભય નીચે દિવસ અને રાત પસાર કરી રહ્યા છે.
હુમલાના બનાવવામાં ચિંતાજનક વધારો :બૃહદ ગીર વિસ્તારમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓની સંખ્યા સતત વધી રહી છે. જેને કારણે હુમલાની શક્યતા વધી જાય છે. 21 તારીખના રોજ ખાંભા તાલુકાના ભાણીયા ગામમાં દીપડાએ ખેત મજૂરને ઇજાઓ કરી હતી. છેલ્લા 15-16 દિવસમાં એક માત્ર તુલસીશ્યામ રેન્જના વિસ્તારમાં દીપડા દ્વારા હુમલાની સંખ્યા અચાનક વધેલી જોવા મળે છે. જેને કારણે ગામ લોકોમાં દીપડાનો ખૌફ દિવસેને દિવસે વધી રહ્યો છે. વન વિભાગ એવું કહી રહી છે કે, સતત વધતી ગરમીને કારણે દીપડાઓ હિંસક અને હુમલાખોર બની રહ્યા છે, પરંતુ તેને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવું વન વિભાગ માટે ખૂબ જ મુશ્કેલ બની રહેશે.
બાળક સહિત વૃદ્ધાનો કર્યો શિકાર : તાજેતરમાં વન વિભાગ દ્વારા દીપડાની વસ્તી ગણતરી પૂર્ણ કરાઈ છે. હજી સુધી તેમના આંકડાઓ જાહેર થયા નથી. જેમાં મુખ્યત્વે દીપડાની ખૂબ મોટી સંખ્યા બહાર આવી હશે. જેને કારણે આંકડાઓ જાહેર કરવામાં રાજ્ય વન વિભાગ વિલંબ કરી રહ્યો તેવુ અનુમાન લગાવી શકાય છે. તેની વચ્ચે હવે દિપડાઓ સતત હિંસક અને હુમલાખોર બની રહ્યા છે. જેની આખરી કિંમત ગામ લોકોએ ચૂકવવી પડી રહી છે. ત્યારે આજે સરોવડા ગામમાં પણ વનવિભાગે દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ કરી છે.
દીપડાના હુમલાની ઘટનાને લઈને મૃતક વૃદ્ધ મહિલાના પરિવાર સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. દુઃખની આ ક્ષણમાં તેઓ પરિવારને સાંત્વના પાઠવી હતી. સાથે સાથે દીપડાના સતત વધેલા હુમલાને કારણે રાજ્યના વન પ્રધાનને પણ રજૂઆત કરવાના છું. અગાઉ પણ હિંસક પ્રાણીઓના હુમલાને લઈને રજૂઆત કરી હતી, પરંતુ હવે જ્યારે દીપડાના હુમલાઓ સતત વધી રહ્યા છે, ત્યારે તેના પર નિયંત્રણ કરવા માટે વન વિભાગ ખાસ આયોજન કરે તેને લઈને વન પ્રધાન મુળુ બેરાને રજુઆત કરવાના છે. - હીરા સોલંકી (ધારાસભ્ય)