જુનાગઢ: રાજ્યમાં ફરી એક વાર લૂંટેરી દુલ્હનની ગેંગ સક્રિય થઈ હોય તેવી ગતિવિધિ પ્રકાશમાં આવી છે. તેથી એકલવાયુ જીવન જીવતા કે પછી લગ્ન કરવા ઈચ્છુક પુરૂષો માટે ફરી એક વખત સાવચેતી જ સલામતી સમાન છે. લગ્ન કરીને લોકો સાથે વિશ્વાસ ઘાત કરી રોકડ સહિત સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ જતી એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો જુનાગઢમાંથી સામે આવ્યો છે. જુનાગઢના મધુરમ વિસ્તારની નાગરિક બેંક સોસાયટીમાં રહેતા નિવૃત અંધ શિક્ષકની આ લૂંટેરી દુલ્હનની છેતરપિંડીનો ભોગ બન્યા છે, તેમણે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોતાની આપવીતી જણાવી હતી. ફરિયાદના આધારે જુનાગઢ પોલીસે ભેસાણ,પોરબંદર અને મહેસાણાના એક પુરુષ અને બે મહિલાઓની અટકાયત કરી છે, ઝડપાયેલા લૂંટેરી દુલ્હનના સાગરીતોના માધ્યમથી હવે પોલીસે મુખ્ય આરોપી આશા ગુપ્તા નામની અમદાવાદની મહિલાને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વપૂર્ણ છે કે, જુનાગઢના અંધ નિવૃત શિક્ષક સાથે લગ્ન કરીને તેમની સાથે છેતરપિંડી કરનાર આ લૂંટેરી દુલ્હનનું નામ આશા ગુપ્તા હોવાનું અને તે અમદાવાદની રહેવાશી હોવાનું જાણવા મળ્યું છે.
3 આરોપીની પોલીસ પકડમાં: નિવૃત્ત શિક્ષકની ફરિયાદના આધારે જુનાગઢ પોલીસે ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામના યુનુસ વીસળ, પોરબંદરના પૂનમ એપાર્ટમેન્ટમાં રહેતી મીનાબેન બાપોદરા અને મહેસાણાના કડી શહેરમાં રહેતી નુરી ખુરેશી નામના 1 પુરૂષ અને બે મહિલાઓની અટકાયત કરી છે. જોકે, મુખ્ય આરોપી અને લગ્ન વાંચુકો સાથે લગ્ન કરીને ફરાર થઈ જતી અમદાવાદની આશા ગુપ્તા હાલ પોલીસ પકડથી દૂર છે જેને પકડી પાડવા માટે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે