- ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે પણ પ્રતીકાત્મક રીતે યોજાશે
- જિલ્લા વહીવટીતંત્ર, ઉતારા મંડળ, સાધુ સંતોની હાજરીમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય
- ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ વિરોધ સ્પષ્ટ કર્યો હતો
જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમા(girnar ni lili parikrama) ને લઈને આજે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ, મનપા પોલીસ તેમજ સાધુ-સંતો ઉતારા મંડળના પ્રતિનિધિઓ અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ સાથેની એક બેઠકનું આયોજન જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જેની અધ્યક્ષતા જૂનાગઢ જિલ્લા કલેક્ટર(Junagadh Collector) રચિત આજે કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આ વર્ષે પણ પ્રતિકાત્મક રૂપે ગિરનારની લીલી પરિક્રમા સરકારની ગાઈડલાઈન્સ મુજબ કરવામાં આવશે. આ નિર્ણય સર્વાનુમતે કરવામાં આવ્યો છે. જેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને જાણ કરી દેવામાં આવશે.
કેટલાક ધાર્મિક સંગઠનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો
આગામી ગિરનારની લીલી પરિક્રમા કરવી કે નહીં તેને લઈને જિલ્લા કલેકટર કચેરીમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત રાજકીય પક્ષો અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓને આમંત્રણ નહીં આપવાના કારણે મામલો ગૂંચવાયો હતો. ભાજપના સક્રિય સભ્ય અને વર્ષોથી ગિરનારની લીલી પરિક્રમા સાથે સંકળાયેલા અમૃત દેસાઈ પણ મીટીંગને લઈને વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી ગિરનારની લીલી પરિક્રમા લઈને મિટિંગનું આયોજન થતું આવ્યું છે તેમાં જૂનાગઢના મોટા ભાગના હિંદુ સંગઠનો સ્થાનિક લોકો અને પ્રજાના પ્રતિનિધિઓને સામેલ કરાતાં રહ્યા છે.