જૂનાગઢ: ગિરનાર પર્વત જેટલો પૌરાણિક છે, તેટલો જ પૌરાણિક અને ઐતિહાસિક ઇતિહાસ તેના પર બનાવવામાં આવેલા પગથિયાનો પણ જોવા મળી રહ્યો છે. હા એ વાત ચોક્કસ કે, ગિરનારના ઉત્પત્તિ સમય પછી હજારો વર્ષ બાદ આ પગથિયાનું નિર્માણ થયું હશે, તેવું આપણે કહી શકીએ. મધ્યકાલીન સમયની વાત કરીએ તો હિમાલયના દાદા ગુરુ તરીકે ઓળખાતા ગિરનાર પર્વત પર માત્ર કેડીઓ જોવા મળતી હતી. પ્રથમ સોલંકી કાળમાં જૈન રાજવી કુમારપાળે જટાશંકર મહાદેવ નજીકથી ગિરનાર પર્વત પર ચડવાની સીડીઓ બનાવી હતી, એવું ઇતિહાસના ચોપડે જોવા મળે છે.
જૂનાગઢના નવાબ રસુલખાને હાલની જે સીડીઓ ગિરનાર પર્વત પર જોવા મળી રહી છે. તેની ભૂમિકા તૈયાર કરી હોવાનું માનવામાં આવે છે. રસુલખાનએ હરિદાસ દેસાઇને ગિરનારની સીડી બનાવવાની જવાબદારી સોંપી હતી, તેવું માનવામાં આવે છે. જેને લઇને હરિદાસ દેસાઈએ ગિરનારની સીડી બનાવવા માટે પ્રથમ વખત જૂનાગઢમાં ગિરનાર લોટરીની યોજના અમલમાં મૂકી હતી. વર્ષ 1889ની 8મી ઓગસ્ટે ગિરનાર લોટરીનો પ્રથમ ડ્રો રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ ગીરનારના પગથિયાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. તેવું આજે જણાઈ આવે છે.