જામનગર : સુજલામ- સુફલામ યોજના અંતર્ગત હાલ મનરેગાના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લોકડાઉનમાં પણ શ્રમિકોને કામ, પુરતુ વેતન મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે રોજે રોજનું કમાઈને ખાનારા શ્રમિકો પ્રત્યે સંવેદના દાખવી રાજ્ય સરકારે વિનામૂલ્યે રાશન વિતરણ, બેંક ખાતામાં સહાય જમા કરાવી છે. જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મનરેગાના કામો દ્વારા ગામમાં શ્રમિકોને ઘરબેઠા લોકડાઉનમાં રોજગારી મળી રહી છે.
આગામી ચોમાસામાં ગામનું પાણી ગામમાં જ સંગ્રહ થાય તે માટે મનરેગાના કામો ચાલુ કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદાના માર્ગદર્શન હેઠળ મનરેગાના કામો હાલની સ્થિતિમાં સોશિયલ ડીસ્ટન્સ અને જરૂરી તકેદારી સાથે ચાલુ થયા છે.
કાલાવડ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, કાલાવડ તાલુકામાં કૃષ્ણપુર દુધાળા, સરપદડ, બેરાજા, નાની ભાગેડી, અને બાવા ખાખરિયા ગામમાં સીમતળ વિસ્તારમાં પાણીનો ચોમાસામાં આવરો રહે છે. તેવા સ્થળો પર ગામના તળાવો ગામના જ નોંધાયેલા શ્રમિકો દ્વારા મનરેગા હેઠળ ઊંડા ઉતારવામાં આવી રહ્યા છે. પાંચેય કામમાં કુલ ૩૮૬ શ્રમિકોને રોજગારી મળી રહી છે. હાલના નિયમ મુજબ પ્રતિદિન શ્રમજીવીઓને રૂપિયા ૨૨૪ની રોજગારી મળે છે. આ પાંચ ગામોમાં શ્રમીકોને હાથ ધોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ શ્રમિકો દ્વારા માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કામ કરવામાં આવે છે.