જામનગરમાં રોડના કામમાં ભષ્ટ્રાચાર, ટીડીઓએ ઇજનેર પાસે માગ્યો રિપોર્ટ
જામનગરઃ જિલ્લાના લાલપુર તાલુકાના ગામમાં થોડા સમય પહેલા જ રૂપિયા 37 લાખના ખર્ચે બનાવવામાં આવેલા આરસીસી રોડના કામમાં કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટર દ્વારા લોક પાણીને લાકડાની ઉક્તિ સાર્થક કરાતા રોડ ધૂળ ધાણી થઈ ગયો છે. ભ્રષ્ટાચાર આચરીને બનાવવામાં આવેલા આ રોડ અંગે સરપંચ સહિતના આગેવાનો દ્વારા આધાર પુરાવા સાથે જિલ્લા વિકાસ અધિકારીને સ્ફોટક રજૂઆત કરી હતી. ટીડીઓએ ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેરને બે દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપવા આદેશ કરતા ચકચાર જાગી છે.
ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ આ પ્રશ્ન ફરિયાદ સંકલનની બેઠકમાં પણ મૂક્યો હતો. આ રોડના તકલાદી કામ અંગે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી આધાર પુરાવા આપવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક અસરથી આ મામલે કાર્યપાલક ઈજનેરને તપાસનો આદેશ કરી બે દિવસમાં અહેવાલ માગ્યો છે.
પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે, પ્રવતમાન સરકાર શ્યામા પ્રસાદના નામે યોજનાઓ ચલાવે છે. આવી યોજના અમુક ગામડાઓને જ લાગુ પડે છે. જેમાં કરોડોના વિકાસ કામ કરવાના હોય છે. અલબત્ત, આવી યોજનાઓમાં કામ બારોબારથી થઈ જાય છે. લોકોને ખબર પણ હોતી નથી કે, આ પ્રકારનું કામ થયું છે. આવા કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે. ભણગોર ગામમાં આરસીસી રોડનું નિર્માણ કરવા રાજકોટની કંપનીને ટેન્ડર મળ્યું હતું, પેટા કોન્ટ્રાક્ટર દ્વારા રોડની નિર્માણ કાર્ય થયું હતું. પણ આ કામમાં લોટ પાણી અને લાકડા જ છે. રોડ માત્ર ગણતરીના દિવસોમાં જ બિસ્માર થઈ ચૂક્યો છે.