તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો તેઓ દેશને આહ્વાન કરે તેવો સંદેશો આપે તો દેશના સૌ નાગરિકો સ્વયંભુ તેમાં જોડાય છે. સાથે જ સ્વચ્છતા અભિયાનની જેમ અનેક અભિયાનમાં જનભાગીદારીથી લોક આંદોલન કરીને તેમણે સફળતાના શિખર સર કર્યા છે. જે ભૂતકાળમાં ક્યારેય જોવા મળ્યું નથી.
આ વખતની લોકસભા ચૂંટણીને ઐતિહાસિક ગણાવી સાંસદ પૂનમ માડમે કહ્યું કે, નાત, જાત, જ્ઞાતિ, પ્રાંતથી પર ઉઠીને દેશ હિત માટે નાગરિકોએ સ્વયંભુના દર્શન કરાવ્યા હતા. તેમજ અકલ્પનીય અને પ્રચંડ માર્જીનથી ભાજપને મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રની ધુરા સોંપી દીધી છે.
છેલ્લા પાંચ વર્ષમા જન-જન સુધી યોજનાઓના લાભ મળ્યા, કેન્દ્ર સરકાર સાથે લોકો સીધા જ જોડાયા, દેશના ખુણા-ખુણા સુધી લોકોની આશા, અપેક્ષા તેમજ અધિકાર તેમના સુધી પહોંચ્યા. ખરા અર્થમાં "સબકા સાથ સબકા વિશ્વાસ" સાકાર થયું, જેની ભાગરૂપે જ આ વખતે વડાપ્રધાન મોદીના નેતૃત્વ માટે જન-જનમાં વિશ્વાસ દ્રઢ થયો જેના પરિણામો સૌની સામે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જામનગર તેમજ દ્વારકા( સાંસદીય વિસ્તાર)એ પશ્ચિમ ભારતના છેવાડાના વિસ્તાર છે. તેની છેલ્લા પાંચ વર્ષોમાં નોંધ લેવામાં આવી છે. જેમાં માળખાકીય સુવિધાઓ થઈ અને માત્ર રોડ જ નહી પરંતુ પાણી, રેલ્વે, પ્રવાસન તેમજ યોજનાકીય લાભો લોકોને મળતા થયા. અત્યાર સુધી જે લોકો સ્થાનિક સ્વરાજ્ય કે રાજ્ય સરકાર સુધી જ અપેક્ષાઓ અને લાભો માટે વિચારતા હતા તેઓ હવે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મેળવીને પ્રગતિ અને વિકાસ તરફ અગ્રેસર થયા છે.