- સાંસદ પૂનમબેન માડમના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય
- જામનગર જિલ્લાના 101 દિવ્યાગોને કરાઈ સાધન સહાય
- ખામીને ખૂબીમાં પરિવર્તિત કરવાની શક્તિ ઈશ્વરે દિવ્યાંગોને આપી છેઃ પૂનમ માડમ
જામનગરઃ ઇન્ડિયન કોર્પોરેશન લિમિટેડ જામનગર, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો) અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજરોજ ધનવંતરી ઓડિટોરિયમ ખાતે દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગોને સાધન સહાય
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તરફથી CSR હેઠળ ઉપકરણ નિર્માતા એલિમ્કોના સહકાર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જામનગર સાથે સંકલન કરી જામનગર જિલ્લાના 434 દિવ્યાંગોને અંદાજે 6 લાખની સાધન સહાય આપવામાં આવી છે. જેમાં આજરોજ સાંસદ પૂનમબેન માડમ, જામનગરના કલેક્ટર રવિશંકર, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ના પશ્ચિમિક્ષેત્ર પાઇપલાઇનના કાર્યકારી નિર્દેશક ડી.કે.બેનર્જીના હસ્તે 12 દિવ્યાંગોને સાધન અર્પણ કરાયા હતા.
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે જામનગરમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો ધનવંતરી ઓડિટોરિયમ ખાતે કુલ 101 લાભાર્થીઓને સાધન સહાય
આ સાધન સહાયમાં મોટરેટ ટ્રાઈસીકલ, વ્હીલચેર, વોકિંગ સ્ટિક,બ્રેઈલ કેન, બ્રેઇલ કીટ, હીયરીંગ એઈડ, વોકર, રોલેટર વગેરે સાધનો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. ત્રણ દિવસ ચાલનારા આ કેમ્પમાં આજે ધનવંતરી ઓડિટોરિયમ ખાતે કુલ 101 લાભાર્થીઓને સાધન સહાય વિતરીત કરાઇ હતી. ડિસેમ્બર 4 અને 5ના રોજ અન્ય દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરીત કરવામાં આવશે.
દિવ્યાંગો પ્રત્યે દેશમાં જાગૃતિ
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે, ખામીને ખૂબીમાં પરિવર્તિત કરવાની શક્તિ ઈશ્વરે દિવ્યાંગોને આપી છે. વડાપ્રધાને દિવ્યાંગો પ્રત્યે દેશમાં જાગૃતિ લાવી છે. દેશની અનેક સંસ્થાઓએ CSR હેઠળ દિવ્યાંગો માટે અગણિત સેવા પ્રવૃત્તિ કરી છે. સમગ્ર દેશમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલતાનો સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહોંચાડ્યો છે. દિવ્યાંગોને વિશેષ અધિકારો મળે તે માટે આ કાર્યક્રમ થકી સૌ નાગરિકોને અપીલ કરતા સાંસદએ કહ્યું હતું કે, પોતાના વિસ્તારમાં વસતા દિવ્યાંગોને તેમના અધિકારો મળે તે માટે સૌ નાગરિકો સંકલ્પ લઈ તેના હક્કો તેઓ મેળવી શકે તે માટે પ્રતિબદ્ધ બનીએ. સાંસદએ I.O.C.L.ને C. S. R. પ્રવૃત્તિ હેઠળ આ સેવાકાર્ય માટેના અભિગમ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે, ડી.કે.બેનર્જી દ્વારા ઈન્ડિયન ઓઈલની કામગીરી, કોવિડ દરમિયાન કોર્પોરેશનની લોકસેવા અને તેમના માટેના અલગ-અલગ પ્રોજેક્ટ વિશે જાણકારી આપવામાં આવી હતી. તો I.O.C.L. ના ડેપ્યુટી જનરલ મેનેજર અરિંદમ બાગચીએ મહાનુભાવો, મીડિયાનો અને ઉપસ્થિત દિવ્યાંગોનો સેવાકાર્યમાં જોડાવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યેલા અધિકારીઓ તથા કર્મચારીઓ
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ. ભંડેરી, એલિમ્કોના જુનિયર મેનેજર મૂર્ધન્ય અવસ્થી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન શેરસીયા વગેરે અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં દિવ્યાંગો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.