જામનગર : હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારે જામનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગરમાં 4 કલાકમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા હતા. તો બીજી તરફ કેટલાક રોડ રસ્તાઓ સ્વિમીંગ પુલમાં ફેરવાય જતા વાહનચાલકો અટવાયા હતા.જ્યારે જામનગરમાં ચોમાસાના પ્રારંભે સિઝનનો 100 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યોનું અનુમાન સામે આવી રહ્યું છે.
Jamnagar Rain : જામનગરમાં મેઘરાજાએ માહોલ બનાવ્યો, 4 કલાકમાં રોડ રસ્તાને સ્વિમીંગ પુલમાં ફેરવી દીધા - Monsoon in Jamnagar
જામનગરમાં 4 કલાકમાં મેઘરાજાએ રોડ રસ્તાને સ્વિમીંગ પુલમાં ફેરવી દીધા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. તો બીજી તરફ સત્યનારાયણ મંદિર પાસે દિવાલ ધરાશાયી થતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મેઘરાજાની શાનદાર બેટિંગ :હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે આજ સવારથી જ શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સવારે 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી પાણી થતા જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે શહેરના નવાગામ ઘેડ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા. આ ઉપરાંત શહેરમાં સત્યનારાયણ મંદિર પાસે આવેલ દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કેટલા ટકા પડ્યો વરસાદ :જ્યારે જામનગરમાં ભારે વરસાદના પગલે જિલ્લાના 9 જેટલા જળાશયો ઓવરફ્લો થયા છે. જેમાં રણજીત સાગર સહિતના જળાશયો ઓવરફ્લો થતા જામનગર શહેરની આગામી એક વર્ષ માટે પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. જ્યારે ચોમાસામાં બીજા રાઉન્ડ દરમિયાન જ જિલ્લાના 25 માંથી 9 જેટલા જળાશયો પાણીથી છલોછલ ભરાયા છે. હાલારમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.