જામનગર : જામનગરના ભોજાબેડી ગામમાં બે ચાર દિવસ પહેલા દીપડો દેખાયો હોવાના અહેવાલો મળ્યા હતાં. દરમ્યાનમાં ગઇ રાત્રે ફલ્લા ગામમાંં 15 જેટલા ઘેટાઓના ધણ પર હિંસક પ્રાણીએ હુમલો કરી દીધો હતો. જેમાં 14 જેટલા ઘેટા બકરાંનું મારણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. ફલ્લા ગામમાં દીપડાએ દેખા દીધી હોવાની વાત બહાર આવી છે, પરંતુ આ ઘટનામાં હજુ સુધી ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ તરફથી સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. જે હિંસક પ્રાણી દ્વારા જે રીતે ઘેટા બકરાં પર હુમલો કરાયો છે. તેનાથી પ્રબળ શંકા જાગી છે કે દીપડો કદાચ આ વિસ્તારમાં ઘુસી આવ્યો છે. 14 ઘેટાબકરાના મારણ ઉપરાંત અન્ય પાંચ ઘેટા-બકરા ઘાયલ પણ થયા છે.
આ પણ વાંચો ફલ્લા ગામમાં PHC સેન્ટરમાં છેલ્લા 2 મહિનાથી કાયમી ડોકટર નથી
ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી ગઇ : મળતી માહિતી મુજબ ફલ્લાના ભગવતીપરા વિસ્તારમાં મેરાભાઇ નાથાભાઇ ભરવાડના મકાનની બાજુના ખુલ્લા પ્લોટમાં 15 જેટલા ઘેટા-બકરા પર ગઇ મધરાત્રે હિંસક પ્રાણીએ હુમલો કર્યો હતો. ફલ્લામાં 15 જેટલા ઘેટા બકરાંનું મારણ કરી નાખતા ફલ્લા ગામમાં દહેશતની લાગણી ફેલાઇ છે. સવારે ફોરેસ્ટ વિભાગની ટીમો તાકીદે દોડી ગઇ હતી અને ફુટ પ્રિન્ટ વગેરે મેળવીને ઘેટા બકરાંના ધણ પર હુમલો કરનાર દીપડો જ હતો કે અન્ય પ્રાણી તે અંગેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગામ લોકોમાં પણ હિંસક પ્રાણીના હુમલાથી દહેશત ફેલાઇ છે. આ મારણ કરનાર દીપડો છે કે અન્ય હિંસક પ્રાણી છે તેની સતાવાર વિગતો હવે પછી જાહેર થશે.