- જામનગરમાં સ્ટેમ્પ વેન્ડરો ચલાવી રહ્યા છે મનમાની
- અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વીડિયો
- આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત
જામનગર: શહેરમાં સ્ટેમ્પ વેન્ડર દ્વારા ખુલ્લેઆમ લોકોને લૂંટવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે શનિવારના રોજ આમ આદમી પાર્ટીની યુવા ટીમ દ્વારા કલેક્ટર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
જામનગરમાં સ્ટેમ્પ વેન્ડરો લોકોને લૂંટતા હોવાના આક્ષેપ સાથે AAPનું આવેદનપત્ર સ્ટેમ્પ વેન્ડર દોઢા ભાવ વસૂલે છે
સ્ટેમ્પ વેન્ડર રૂપિયા 100ના સ્ટેમ્પના 150 અને 200 રૂપિયાના સ્ટેમ્પના 300 રૂપિયા લઇ રહ્યા હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે, અગાઉ સ્ટેમ્પ વેન્ડરનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સ્ટેમ્પ વેન્ડરો સામે પગલા લેવામાં આવે તેવી માગ
આમ આદમી પાર્ટી દ્વારા માગ કરવામાં આવી છે કે, સ્ટેમ્પ વેન્ડર રોજે આડેધડ પોતાના ભાવથી સ્ટેમ્પ વેન્ડરનું વેચાણ કરી રહ્યા છે. જે લોકોને પરવડે તેમ નથી અને ખુલ્લેઆમ ગેરરીતિ થતી હોવાનું જાણવા મળ્યું છે. જેથી મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ગેરકાયદે રીતે પૈસા લેતા સ્ટેમ્પ વેન્ડરો સામે પગલા લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું કોવિડ ગાઇડલાઇનનું પાલન
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક અંતર જાળવી અને માસ્ક પહેરી મામલતદારને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા.