જોકે ફાની વાવાઝોડાની અસર ઓરિસ્સા અને અન્ય રાજ્યોમાં ભારે જોવા મળી રહી છે ત્યારે અહીં આવેલા પ્રવાસીઓ પણ તેનો ભોગ બન્યા છે. જામનગરના કિશોરભાઈ સોલંકીના 3 પરિજનો પણ જગન્નાથ પુરીની જાત્રાએ ગયા છે જેઓ પણ આ વાવાઝોડામાં ફસાયા છે. ફાની વાવાઝોડું આવી પહોંચતા તેઓ અહીં ફસાઈ ગયા છે. જોકે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક મદદ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જામનગરના 450 શ્રદ્ધાળુઓ ફાનીમાં ફસાયા, પરિજનો ચિંતાતુર
જામનગરઃ જિલ્લાથી જગન્નાથ પુરીની જાત્રાએ ગયેલા 450 જેટલા શ્રદ્ધાળુઓ ફાની વાવાઝોડામાં ફસાયાની વિગત સામે આવી રહી છે. જામનગરમાં દર વર્ષે મે મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા પ્રવાસે જતા હોય છે. જિલ્લામાંથી કિશોરભાઈ દ્વારા 450થી વધુ શ્રદ્ધાળુઓને જગન્નાથ પુરીની યાત્રાએ ટ્રેન મારફતે લઇ જવાતા હોય છે.
મહત્વનું છે કે, ફાની વાવાઝોડાથી ફફડાટ ફેલાયો છે અને અનેક લોકોના મોત પણ થયા છે. જામનગર જિલ્લા કલેક્ટર વહીવટીતંત્ર ફસાયેલા તમામ લોકોની વહારે પહોંચ્યું છે અને યુદ્ધના ધોરણે તમામ શ્રદ્ધાળુઓને બચાવવામાં આવે તેવી તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
ફાની વાવાઝોડામાં ફસાયેલા તમામ લોકોનો હાલ પરિજનો સાથે સંપર્ક થઈ શક્યો નથી તેમજ સ્થાનિક ટ્રાન્સપોર્ટ તેમજ પાણી તથા જમવાની વસ્તુમાં પણ બેફામ વધારો કરી ગુજરાતી શ્રદ્ધાળુઓને લૂંટવામાં આવી રહ્યા છે. તેથી પરિજનો માંગ કરી રહ્યા છે કે, તેઓ જાત્રાએ ગયેલા પોતાના પરિજનો સાથે વાતચીત કરી શકે અને તાત્કાલીક તમામ લોકોને જામનગર લાવવામાં આવે.
જામનગર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તમામ લોકો સહી સલામત હોવાનો વહીવટીતંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.