ગીર સોમનાથઃ છેલ્લા બે અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે, જેને કારણે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર પણ પુરના પાણી ફરી વળ્યાં છે. રસ્તા પર દોઢ થી બે ફૂટ પુરના પાણી ભરાયા છે તેમજ ટ્રાફિક જામ થતા નજીકના ગામલોકોએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જોકે તેમ છતાં ઘટના સ્થળે સ્થિતિ જોવાની કોઇપણ સરકારી તંત્ર કે નેશનલ હાઇવે ઓથોરીટીએ દરકાર લીધી નહોતી.
કપિલા નદીમાં આવેલા પુરને કારણે સોમનાથ-ભાવનગર હાઈવે પર પાણી ફરી વળ્યું છે, સાથે જ હાઈવે પણ મસમોટા ખાડાઓ હોવાને કારણે પાણી વચ્ચેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોટો ટોલટેક્સ ઉઘરાવતી નેશનલ હાઇવે ઓથોરિટી આ અવસ્થામાં રોડ હોવા છતાં ટ્રાફિક નિયમન કે રોડના સમારકામ અથવા ડાયવર્ઝન કાઢવા માટે હાજર નથી ત્યારે નજીકના ગામના સેવાભાવી યુવાનો ખાડાઓથી સચેત કરીને હાઇવે પરનો ટ્રાફિક જામ દૂર કરી રહ્યા છે.