- 'ગુલાબ' વાવાઝોડની અસરના પગલે ગીર સોમનાથના છ તાલુકામાં સાર્વત્રીક વરસાદ
- જિલ્લાના જીવાદોરી સમાન ત્રણ ડેમના બે-બે દરવાજા ખોલવા પડ્યા
- પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર ફરી જળમગ્ન થયુ
ગીર સોમનાથ :ગુલાબ વાવાઝોડની ગીર સોમનાથ જિલ્લા અને ગીર જંગલમાં સોમવારે બપોર બાદ અસર વર્તાયેલ જોવા મળી રહી છે. જિલ્લાના છ તાલુકાઓમાં સરેરાશ 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે, ત્યારે ધોધમાર વરસાદના પગલે જિલ્લાના હિરણ-2, શિંગોડા, રાવલ ડેમના દરવાજા ખોલવા પડેલા હતા, જ્યારે દ્રોણેશ્વર ચેકડેમ ઓવરફ્લો થયેલા, ત્યારે સરસ્વતી નદીમાં પૂર આવતા તેના પટમાં આવેલા પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર ફરી જળમગ્ન થયુ હતુ, જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની શેરી-રસ્તાઓ પર વરસાદી પાણીની નદી વહેતી થયેલી જોવા મળતી હતી. ત્યારે સરસ્વતી સહિતની અનેક પૂર આવ્યા હતા.
કાળા ડીંબાગ વાદળોનું સામ્રજ્ય છવાયું
સોમવારે બપોરે બાદ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હોય તેમ આકાશમાં થોડા સમયમાં જ ઘટાટોપ કાળા ડીંબાગ વાદળોનું સામ્રજ્ય છવાય ગયુ હતુ. ગાજવીજ સાથે મેઘરાજાએ પઘરામણી કરી હેત વરસાવવાનું શરૂ કરેલું હતુ. આ મેઘસવારી સાંજ સુધી ધીમી ધારે અવિરત ચાલુ રહી હતી. જે દરમિયાન આજે સોમવારે સવારથી સાંજ સુધીમાં જિલ્લામાં સૌથી વધુ ગીરગઢડામાં 3 અને સૌથી ઓછો ઉના અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના છ તાલુકામાં બપોરે 12 થી સાંજે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગીરગઢડામાં 76 MM (3 ઇંચ), વેરાવળમાં 42 MM (1.5 ઇંચ), સુત્રાપાડામાં 47 MM (2 ઇંચ), તાલાલામાં 46 MM (2 ઇંચ), કોડીનારમાં 19 MM (અડધો ઇંચ), ઉનામાં 14 MM (અડધો ઇંચ) વરસ્યો હતો.
ગીર જંગલની બોર્ડરના ગામોના નદી-નાળાઓ છલકાયા
સમગ્ર જિલ્લામાં સાર્વત્રીક વરસાદ વરસવાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો શહેરી વિસ્તારમાં રસ્તાઓ પર અને ગ્રામ્ય વિસ્તારમાં શેરીઓમાં વરસાદી પાણીની નદી વહેતી જોવા મળી હતી. જ્યારે ગીર જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળેલું છે. કેમ કે, ગીર જંગલની બોર્ડરના ગામોના નદી-નાળાઓમાં એકાએક મબલખ પાણીની ધીગી આવક જોવા મળી હતી. જેના પગલે જિલ્લાની સરસ્વતી નદીમાં પુરની સ્થિતિ સર્જાય હોય તેમ નદીના પટમાં આવેલા પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર ફરી જળમગ્ન થઇ ગયુ હતુ. ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં ચોથી વખત માધવરાય મંદિર જળમગ્ન થયુ હોવાનું જાણવા મળેલું છે, ત્યારે સરસ્વતી નદીમાં પુરની સ્થિતિ જોવા લોકો ઉમટી પડયા હતા.