ગુજરાત

gujarat

ETV Bharat / state

ST Sangamam in Somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ ગણાવતાં કેન્દ્રીયપ્રધાન હરદીપસિંઘ પુરી - કેન્દ્રીય પેટ્રોલિયમપ્રધાન હરદીપસિંઘ પુરી

કેન્દ્રીય પેટ્રોલિયમપ્રધાન હરદીપસિંઘ પુરીએ સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે આ તકે નિવેદન કર્યું હતું કે કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા કાર્યક્રમો વિવિધ પ્રદેશો વચ્ચેના સંબંધો અને રાષ્ટ્રીય એકતાને સશક્ત કરે છે. આ કાર્યક્રમ દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ છે.

ST Sangamam in Somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ ગણાવતાં કેન્દ્રીયપ્રધાન હરદીપસિંઘ પુરી
ST Sangamam in Somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ ગણાવતાં કેન્દ્રીયપ્રધાન હરદીપસિંઘ પુરી

By

Published : Apr 19, 2023, 4:54 PM IST

સોમનાથ : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત આજે સૌરાષ્ટ્રીયન તમિલો અને વરfષ્ઠ નેતાઓ વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમપ્રધાન હરદીપસિંઘ પુરીએ સૌરાષ્ટ્રીયન તમિલોને આવકારતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ આપણા દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ છે.

રાષ્ટ્રીય એકતાને સુદ્રઢ કરે :એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે દેશના વિભિન્ન ભાગો એકબીજાને મળી સંસ્કૃતિ, સાહિત્ય, ખાનપાન અને વિચારોનું સતત આદાન-પ્રદાન કરે જેથી રાષ્ટ્રીય એકતાને સુદ્રઢ કરી શકાય. ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી પુરાતન અને સૌથી વિકસિત સંસ્કૃતિઓમાંની એક છે. કાશી - તમિલ સંગમ, સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા કાર્યક્રમો દ્વારા પીએમ નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ પ્રદેશો વચ્ચેના સંબંધો અને એમ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાની નેમ સાર્થક કરી છે. ભારતના વિવિધ પ્રદેશો સદીઓથી એકબીજા સાથે વિવિઘ રીતે જોડાયેલા છે.

પુરીએ પોતાનો અંગત અનુભવ વ્યક્ત કર્યો: હરદીપસિંઘ પુરીએ પોતાનો અંગત અનુભવ વ્યક્ત કરતા કહ્યું હતું કે પોતે શીખ છે અને પત્ની મૂળ મહારાષ્ટ્રીયન છે. તો તેમની દીકરીના લગ્ન તમિલ પરિવારમાં થયા છે. તેઓ દરેક સંસ્કૃતિ અને રાજ્યની ઓળખને માટે સમાન ગર્વની અનુભૂતિ કરે છે. ભારતીય સંસ્કૃતિ વિવિધ સંપ્રદાયો અને વિવિધ સ્થાનિક સંસ્કૃતિઓના આદાન પ્રદાન સાથે વિવિધતામાં એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કરે છે.

તમિળનાડુના પ્રદાનને યાદ કરાવ્યું :હરદીપસિંઘ પુરીએ તમિલનાડુના વિવિધ અગ્રણીઓના પ્રદાનને યાદ કરતા ઉમેર્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્ય અને લોકશાહીના મૂળ તમિલનાડુની સંસ્કૃતિમાં જોવા મળે છે. વધુમાં કાંચીપુરમ પાસેના ચૌલાવંશ સમયના આરોગ્યલક્ષી બાબતોના પ્રદાનને, સાહિત્યમાં સુબ્રહ્મણ્યમ ભારતીના પ્રદાનને અને ચતુરંગાને, છઠ્ઠી અને સાતમી સદીમાં સ્થાનિક ક્ષેત્રમાં કુથિરાનેલુ અને સંગમ સાહિત્યમાંના શ્રી અન્ન અને જૂની ગ્રામ સંસ્કૃતિ વિશેના મળતા સંદર્ભો તેમણે પ્રસ્તુત કર્યા હતા.

આ પણ વાંચો ST sangamam TirthYatra: તમિલનાડુમાં ધબકે છે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, સૌરાષ્ટ્રાવાસીઓની હિજરતનો રોચક ઈતિહાસ

બંને સંસ્કૃતિઓને વધુ સમૃદ્ધ બનાવશે :જ્યારે ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમથી બંને સભ્યતાઓ વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન તેમ જ વ્યવસાયિક સમન્વય વધશે, જે બંને સંસ્કૃતિઓને વધુ સમૃદ્ધ બનાવશે. સદીઓ પહેલાં વતનથી વિખૂટા પડેલા સૌરાષ્ટ્રીયનોને પોતાના મૂળ વતનની મુલાકાત કરાવવાના અને બંને સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધને વધુ પ્રગાઢ બનાવવાના ઉત્તમ વિચારના પરિણામે આ કાર્યક્રમ આકાર પામ્યો છે. તેઓએ તમિલ ચહેરાઓને સોમનાથમાં જોઈને આનંદની અનુભૂતિ વ્યક્ત કરી હતી. 2007માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ થયેલ કાર્યક્રમમાં મદુરાઈ ખાતે કેબિનેટ મિનિસ્ટરોની મુલાકાત યોજાઇ હતી. તે વખતના ઉષ્માભર્યા સ્વાગતની અનુભૂતિની યાદોને તાજા કરતા તમામ તમિલ બંધુઓને આ પ્રવાસ ફળદાયી, આનંદદાયક અને સ્વાસ્થ્યપ્રદ રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

ભારતીયતા અને ભક્તિનો સમાન ભાવ : આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે સૌરાષ્ટ્રીયન તામિલો સાથે વાર્તાલાપમાં જણાવ્યું હતું કે ભારતના અલગ અલગ રાજ્યના લોકોમાં અનેક ભિન્નતાઓ વચ્ચે ભારતીયતા અને ભક્તિનો સમાન ભાવ વસેલો છે, જે તેમને એકબીજા સાથે જોડાયેલા રાખે છે. તેમના હૃદયમાં ભારત વસેલું છે. આપણા રાજ્યોમાં ભાષાઓ અલગ બોલાય છે. તેમની વચ્ચે ભૌગોલિક અંતર પણ છે પરંતુ ભક્તિનો ભાવ સર્વત્ર એક છે. અલગ - અલગ રાજ્યના લોકોના પહેરવેશ, ખાનપાન, રીતભાત વગેરે અલગ છે પણ ભગવાનમાં શ્રદ્ધા બધાને સરખી છે. 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના વિચારને અનુરૂપ ભારતના નિર્માણ માટે 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' કાર્યક્રમ એક શુભ શરૂઆત છે. ભવિષ્યમાં આવા કાર્યક્રમોને વધુ વિસ્તાર આપવામાં આવશે.

માટી અને પાણી લઇ જવા અનુરોધ : તેમણે તમિલનાડુવાસી સૌરાષ્ટ્રીયનોને અહીંની માટી અને પાણી તમિલનાડુ લઈ જવા અને ત્યાંથી તમિલનાડુની માટી અને પાણી સોમનાથ મોકલી આપણી માટી એક છે સમગ્ર રાષ્ટ્ર એક છેની વિભાવનાને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત શાલ તેમજ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પ્રોફેસર ચેતન ત્રિવેદીએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ પણ વાંચો ST Sangamam: ટ્રેન દ્વારા સુરત પહોંચેલા તમિલો યાત્રીઓનું ઢોલ-નગારા સાથે સ્વાગત

સમાનતાઓ વગેરે વિષય પર વાર્તાલાપ : નેતાઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો અને તમિલ પ્રવાસીઓએ સાંસ્કૃતિક સંગમ, શૈક્ષણિક આદાન પ્રદાન, એકબીજાના ભાષાકીય શિક્ષણની શરૂઆત, દરિયાકિનારો અને ફિશરીઝ ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે સમાનતાઓ વગેરે વિષય પર વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનો સાથે વાર્તાલાપમાં તમિલ મહેમાનોએ આપણી સંસ્કૃતિ વચ્ચે જૂની સામ્યતા છે એવુ જણાવી સાહિત્ય, ભાષા અને સંસ્કૃતિ વિશેના કાર્યક્રમો વારંવાર યોજાતા રહે અને ત્યાં પણ આ સંદર્ભને વેગવાન બનાવવા માટે યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવે એવો અહોભાવ વ્યક્ત કર્યો હતો.

તમિલ પ્રોફેસર દામોદરને કર્યું તમિલમાં ભાષાંતર : સૌરાષ્ટ્રિયન તમિલોએ માતૃભૂમિની મુલાકાત લેવાની તક મળી એ બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પ્રવાસી તમિલ મહેમાનોએ સુરતથી વેરાવળ સુધી સમગ્ર રસ્તે ભાવભર્યા સ્વાગત અને સુંદર વ્યવસ્થા બદલ ભાવપૂર્વક રાજ્ય સરકાર અને આઇ.આર.સી.ટી.સી.નો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્ર્મ દરમ્યાન વરિષ્ઠ તમિલ પ્રોફેસર દામોદરને ઉપસ્થિતો માટે તમિલમાં ભાષાંતર કર્યું હતું. કાર્યક્રમના અંતમાં સૌરાષ્ટ્રિયન તમિલો સહિત સ્થાનિક લોકોએ એકસાથે રાષ્ટ્રગાન કર્યું ત્યારે સુંદર દ્રશ્ય સર્જાયું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર તમિલ સમુદાયના લોકોએ પ્રધાનોને સન્માનિત કરી યાદગીરી રૂપે ભેટ અર્પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details