- તાલાળાના ધારાસભ્યએ વિધાનસભા સત્રમાં અધ્યક્ષ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો
- શિક્ષણ સહિત વિવિધ કોન્ટ્રાક્ટના કામોના બીલ બનાવી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ
- તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરી રકમ રિકવર કરવા માગ
ગીર સોમનાથ:તાલાળા તાલુકા પંચાયતની વિવિધ ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાના મામલે વિધાનસભામાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડે વિગતો રજૂ કરી હતી અને 2004થી લઇ 2020 સુધીના તમામ વર્ષના ઓડિટ ફરીથી કરવા વિધાનસભા અધ્યક્ષ મારફત શિક્ષણપ્રધાન અને નાણાંપ્રધાને રજૂઆત કરી હતી. તેમણે આ મામલે તપાસ કરી અત્યાર સુધીમાં 40થી 45 કરોડનો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે તપાસ કરી પગલાં લેવાની માંગણી કરી હતી.
ભગવાનભાઇ બારડે લગાવ્યા આક્ષેપો
તેમણે જણાવ્યું હતું કે, તાજેતરના ઓડિટમાં રૂ. 1 કરોડ 48 લાખનો ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે અને લાંબા સમયથી આ ચાલી રહ્યું છે. જેને લીધે સરકારને 40થી 45 કરોડ રૂપિયાનું નુકસાન થયાનું જણાવી શિક્ષણ વિભાગમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તાકીદે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરી એળે ગયેલી રકમની રિકવરી કરવા માગ ઉઠાવી છે.
આ પણ વાંચો:ભેંસાવહી પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ
તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન
તાલાળા તાલુકા પંચાયતમાં 4 ટર્મ એટલે કે, 18 વર્ષ કરતાં વધુ સમયથી શાસન કોંગ્રેસનું છે. ધારાસભ્ય પણ કોંગ્રેસના છે. છત્તાં સરકારી નાણાંનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા ખુદ ધારાસભ્ય જ ખુલીને આગળ આવ્યા છે.
તાલુકા પંચાયતમાં એક બિન સરકારી વ્યક્તિ અંગે રહસ્ય
તાલાળા તાલુકા પંચાયતમાં જે બિન સરકારી વ્યક્તિનો ધારાસભ્ય ભગવાનજીભાઇ બારડે ઉલ્લેખ કર્યો છે એ વી.આર. ઠુમર નામની વ્યક્તિ વર્ષોથી તાલુકા પંચાયતમાં જાણે કે વહિવટી વ્યવસ્થાનો એક ભાગ બની ગઇ હતી. પ્લાન એસ્ટીમેટ સહિતના કામોની ગોઠવણથી ભ્રષ્ટાચારનો પાયો નંખાયો હતો. ઓડિટમાં દોઢ કરોડનું કૌભાંડ સામે આવતાં એક વ્યક્તિએ 15 દિવસ પહેલાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ત્યારે ભ્રષ્ટાચારના દોષ તેના પર નાંખવાની પેરવી કરી રહ્યાની ચર્ચા પણ ઉઠી છે.
આ પણ વાંચો:વાવડી ગામે વોટરશેડ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ
જવાબદારો સામે કાર્યવાહી કરવામી માગ
તાલાળા તાલુકા પંચાયતનાં ભ્રષ્ટાચારમાં સામેલ જે કોઇ તાલુકા વિકાસ અધિકારી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તાલુકા પ્લાનીંગ ઓફિસર સહિત જવાબદાર તમામ અધિકારી-કર્મચારીઓ સામે તાકીદે તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી ધારાસભ્ય ભગવાન બારડે કરી છે.
મૃતક વિરુદ્ધ DEOએ નોંધાવી પોલીસ ફરિયાદ
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં આખરે જવાબદાર તંત્ર પણ હરક્તમાં આવ્યું હોય તેમ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હીરાભાઈ વાજાએ આપઘાત કરી લેનાર આર. વી. ઠુમર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલાળા પોલીસે IPCની કલમ 406,408 અને 420 મુજબ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જાણકારોના મતે પોલીસ દ્વારા નિષ્પક્ષ અને ઊંડી તપાસ હાથ ધરવામાં આવે તો મૃતક આરોપી ઠુમર સિવાય અનેક ઉચ્ચ અધિકારીઓની સંડોવણી સામે આવે તેવી પ્રબળ શકયતા છે.