- કોરોના સંક્રમણ અટકાવવા લોકો સ્વયંભૂ લોકડાઉન સાથે જાગૃત થયા છે
- સરકાર પણ સહયોગ સાથે સુવિધા આપે તેવી માગણી કરાઈ
- તાલાલા શહેરમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવી જરૂરી છે
ગીર-સોમનાથઃ તાલાલા પંથકના 45 ગામ તથા ગીર જંગલના નેસડામાં વસવાટ કરતી દોઢ લાખની પ્રજાની આરોગ્ય સુખાકારી માટે કિસાન સંઘના ભરતભાઇ સોજીત્રાએ મુખ્યપ્રધાનને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, તાલાલા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોનાની લહેર કહેર મચાવી રહી છે. દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા તાલાલા પંથકના આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વહીવટી તંત્ર દ્વારા થતી કામગીરીમાં તમામ ગામના સરપંચો તથા જાગૃત લોકો સહકાર આપી રહ્યા છે.
આ પણ વાંચોઃદિલ્હીમાં DRDOએ સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ હોસ્પિટલ શરૂ કરી
ગામડાઓમાં વસવાટ કરતા લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું હતું
તાલાલા શહેર તથા ગીરના વિવિધ ગામડાઓમાં વસવાટ કરતા લોકોએ સ્વયંભૂ બંધ રાખી કોરોના વાઇરસની સાંકળ તોડવા જાગૃતિ બતાવી, સમગ્ર ગીર પંથકની પ્રજા પ્રશાસનની સાથે સહભાગી થઈ રહી છે. તેમાં રાજય સરકાર પણ સહભાગી થઈ તાલાલા શહેરમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે જરૂરી દવા અને ઈન્જેકશનના જથ્થા સાથે સંપૂર્ણ સુવિધાથી સજ્જ 15થી 20 બેડની કોવિડ હોસ્પિટલ યુધ્ધના ધોરણે કાર્યરત કરે તેવી માગણી કરી છે.