- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉનાથી કિસાન સૂર્યોદય યોજનાનું બીજા તબક્કાનું લોકાર્પણ કર્યું
- કિસાન સૂર્યોદય યોજનાથી ગીર બોર્ડરના ગામોને મળશે વિશેષ લાભ
- મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ પોતાના વક્તવ્યમાં કોંગ્રેસને આડેહાથ લીધી
ગીર સોમનાથઃ 24 ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે આ યોજનાનો પ્રારંભ કરાયો હતો. ત્યારે ગુજરાતના 1055 ગામડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આજથી બીજા 3000 ગામડાનો સમાવેશ કરવામાં આવશે. કિસાન સૂર્યોદય યોજનામાં ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના 75 ગામો, ગીર ગઢડા તાલુકાના 21 ગામો અને કોડીનાર તાલુકાના 13 એમ કુલ 109 ગામોને હવે દિવસના સમયે ખેતી માટે 66 કેવી સબ સ્ટેશનના 42 ખેતીવાડી વિજ ફીડરમાંથી વિજ પુરવઠો ચાલુ કરાશે.
અમે જે યોજના લાવીએ છીએ તેનું અમલીકરણ પણ કરીએ છીએઃ મુખ્ય પ્રધાન
મુખ્ય પ્રધાને કહ્યું કે, અમે જે યોજના લાવીએ છીએ તેનું અમલીકરણ પણ કરીએ છીએ. 30 હજાર મેગાવોટનો રીન્યુએબલ એનર્જી પાર્કનું ખાત મુહૂર્ત અમે કર્યું છે. ગિરનાર રોપ-વેનું લોકાર્પણ પણ વડાપ્રધાને કર્યું છે. ભારતનું પ્રથમ સી પ્લેન વડાપ્રધાનના હસ્તે શરૂ કરવામાં આવ્યું છે. ગામડાઓના અંધારા ઉલેચવાનું કામ અમારી સરકારે કર્યું છે. કોંગ્રેસનાં રાજમાં લંગડી વીજળી મળતી હતી. જ્યોતિગ્રામ યોજના લાવી અમે ગામડાઓને સમૃદ્ધ બનાવ્યા છે. કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોની પરેશાની અમે દૂર કરી છે. કોંગ્રેસના શાસનમાં વર્ષે 17 હજાર કનેક્શન વીજળીના મળતા હતા. અમારી સરકારે 66 હજાર કનેક્શન આપ્યા છે. કોંગ્રેસના રાજમાં વર્ષે 654 કરોડની સબસીડી મળતી હતી. અમારી સરકારે 24 હજાર કરોડ રૂપિયાની સબસીડી આપી છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ ઉના ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનું લોકાર્પણ કર્યું આપણા ખેડૂતોમાં દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત છેઃ મુખ્ય પ્રધાન
સૌરાષ્ટ્રના ખેડૂતોને બિરદાવતા મુખ્યપ્રધાને કહ્યું કે, આપણા ખેડૂતોમાં દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત છે. જરૂર છે માત્ર યોગ્ય પાણી અને વીજળીની. પાણી અને વીજળીએ ખેડૂતોની ખરી તાકાત છે. અમારી સરકારએ તાકાત વધારી રહી છે. આગામી વર્ષોમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વડાપ્રધાનનું સ્વપ્ન ખરા અર્થમાં સાકાર થશે. કોંગ્રેસને ફટકારતા મુખ્યપ્રધાને કહ્યું કે, 'કોંગ્રેસ દિલ્હીમાં ખેડૂતોના નામે પ્રોપેગન્ડા કરી રહી છે. જ્યારે પાણી માટે મારા ગુજરાતના ખેડૂતો વલખા મારતા હતા ત્યારે કોંગ્રેસે 7 વર્ષ સુધી નર્મદાના દરવાજા શા માટે ન ચડાવવા દીધા..? જ્યારે ખેડૂતો આત્મહત્યા કરતા હતા ત્યારે કોંગ્રેસ શુ કરતી હતી..? મોદી સરકાર દર વર્ષ 75 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને આપી રહી છે. છેલ્લા 3 વર્ષમાં અમારી સરકાર કુદરતી આપદા સમયે રાજ્યનાં ખેડૂતો સાથે ઉભી રહી છે. પ્રતિ હેકટર દીઠ 10 હજાર રૂપિયા ખેડૂતોને આપ્યા છે. અમારી સરકાર ગરીબોની સરકાર છે. મારા સૌરાષ્ટ્રના ખેડૂતો મુસીબતમાં હતા. કિસાન સૂર્યોદય યોજનાથી 'દિવસે કામ રાત્રે આરામ' મારા ખેડૂતો કરશે. ખેડૂતો સમૃદ્ધ હશે તો સરવાળે દેશની સમૃદ્ધિ વધશે. લેન્ડ ગ્રેબિંગ એકટનો અમલ ચાલુ થઈ ગયો છે. ગામડાના ખેડૂતો અને નાના માણસો માટે સરકાર કટિબદ્ધ છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ ઉના ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનું લોકાર્પણ કર્યું કોરોના વેક્સિનને લઈ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું મોટું નિવેદન
ગુજરાતમાં કોરોનાની વેક્સિનેશનને લઈ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ઉના ખાતે જણાવ્યું હતું કે, 'દેશમાં તબક્કાવાર કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોને કોરોનાની વેકસીન આપવામાં આવશે. ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા વેકસીન મળશે એટલે તુરંત જ કામગીરી હાથ ધરવામાં આવશે. ગુજરાત તૈયાર છે.' કોરોનાની બે વેક્સિનને મંજૂરી મળી ચુકી છે. સીરમ અને ભારત બાયોટેક દ્વારા તૈયાર કરેલી બે વેકસીનને મંજૂરી મળી ચુકી છે. ભારતના ડ્રગ એન્ડ મેડિસિન વિભાગનાં વૈજ્ઞાનિકો દ્વારા ચકાસીને બે વેકસીનની મંજૂરી મળી ચુકી છે. 50 વર્ષથી મોટી વ્યક્તિઓ અથવા તો બીજા રોગથી પીડાતા લોકો કે જેને કોરોના થયો છે, તેવા લોકોને પ્રથમ વેક્સિન આપવામાં આવશે. ત્રણ તબક્કામાં વેકસીન આપવામાં આવશે. ડોકટર, નર્સ, આશા વર્કર બહેનો, પોલીસ, 60 વર્ષની ઉપરનાં લોકોનું લિસ્ટ તૈયાર થઈ ગયુ છે. ત્યારબાદ દરેક કોરોના વોરિયર્સને વેક્સિન આપવાની થશે. વેક્સિનેશન બાદ હારશે કોરોના, જીતશે ગુજરાત. અંતમાં ઉનાની દિવ્યાંગ બાળકીને મળી મુખ્યપ્રધાન ભાવ વિભોર બન્યા હતા. દિવ્યાંગ બાળકી દિવ્યા પરેશભાઈ ગોસાઈએ પોતાના હસ્તે બનાવેલું મુખ્યપ્રધાનનું ચિત્ર ભેટમાં આપ્યું હતું.