- શિવરાત્રી અને પાલખીયાત્રાનું અનેરૂ મહત્વ
- ધ્વજારોહણમાં શિવભકતો આસ્થાભેર જોડાયા
- જલ અને કલાત્મક પાઘડી સાથે કોટેશ્વર મહાદેવની પૂજા કરી
ગીર સોમનાથ: મહાશિવરાત્રીના વિશેષ મહાત્મ્ય અંગે સોમનાથ મંદિરના પૂજારી કૃણાલભાઈ કાપડીયાએ જણાવેલ કે, આજે શિવરાત્રીના દિને ભગવાન શિવના વિવાહ થયેલા હોવાથી આ દિવસને ઉત્સવ તરીકે ઉજવીએ છીએ. જેથી આને મહાપર્વ કહેવાય છે. ચાર રાત્રીનું મહત્વ છે. એમાં આજે મહાશિવરાત્રી કહેવાય છે એટલા માટે આજની રાત્રીનું બહુ મોટું મહત્વ છે. આજે સોમનાથ જયોતિર્લીંગના સાંનિઘ્યમાં પ્રારંભથી પુર્ણાહુતિ સુઘીમાં પ્રથમ મહાદેવને ઘ્વજાપૂજન થાય છે. ત્યારબાદ પાલખીયાત્રા રૂપે મહાદેવ નગરચર્ચાએ નીકળે છે. મહાદેવની વિશેષ ચાર પ્રહરની મહાપૂજાઓ થાય છે. આજે મહાશિવરાત્રીને લઇ સોમનાથ મહાદેવને ખાસ વિશેષ શણગાર કરવામાં આવે છે. જેમાં વરરાજાને તૈયાર કરવામાં આવે તેવી જ રીતે આ દિવસ દરમિયાન ભગવાન મહાદેવને રંગબેરંગી પુષ્પો, કમળો, માળાઓ અને જુદી-જુદી પાઘડીઓથી વિશેષ અલૌકિક શણગારોથી તૈયાર કરવામાં આવે છે. જયારે વિવાહ થતાં હોય ત્યારે વરઘોડો નીકળતો હોય તેમ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ પાલખીયાત્રા રૂપે નગરની અંદર નગરચર્યાએ નીકળતાં હોવાનું ધાર્મિક મહત્વ છે.
મંદિર પરિસરમાં પાલખીયાત્રા નીકળી આ પણ વાંચો:ફેબ્રુઆરીમાં પોણા 5 લાખ ભાવિકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે
મહાશિવરાત્રીએ પારંપરિક પ્રથમ ધ્વજાપૂજન અને ધ્વજારોહણ મંદિર ટ્રસ્ટના સેક્રેટરીના હસ્તે થઈ
મહાશિવરાત્રીએ વહેલી સવારે 7 વાગ્યે સોમનાથ મહાદેવને પ્રાત: મહાપૂજા અને આરતી થઈ હતી. ત્યારબાદ 8 વાગ્યે શિવરાત્રી નિમિત્તે પારંપરિક પ્રથમ ધ્વજાપૂજા સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લ્હેરીના હસ્તે થઈ હતી. આ પ્રથમ ધ્વજા પૂજામાં મંદિર ટ્રસ્ટના અધિકારી દિલીપભાઈ ચાવડા, જીએમ વિજયસિંહ ચાવડા સાથે રહ્યા હતા. આ ધ્વજાપૂજા અને ધ્વજારોહણમાં બહોળી સંખ્યામાં શિવભકતો આસ્થાભેર જોડાયા હતા. ધ્વજાપૂજા પૂર્ણ થયા બાદ મંદિરના શિખર પર પૂજા કરાયેલી ધ્વજા ચડાવવા સમયે પરિસરમાં હાજર શિવભકતોએ હર-હર મહાદેવનો ગગનચુંબી નાદ ગૂંજવી વાતાવરણ શિવમય બનાવી દીઘું હતું.
આ પણ વાંચો:મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તજનોનું ઘોડાપૂર
નારાયણ સરોવરના જલ અને કલાત્મક પાઘડી સાથે કોટેશ્વરથી પગપાળા સંઘ સોમનાથ આવી પહોંચ્યો
કચ્છના સામખીયાળી ખાતેના ગુરૂકુળના પૂ.સંઘ્યાગીરી બાપુ ગૌશાળા અને મહંત ભગવતાનંદજી બાપુની તેમના શિષ્ય પ્રકાશાનંદજીની સાથે આચાર્ય વૃંદ ગ્રુપના સેવકો નારાયણ સરોવરનું જલ અને કલાત્મક પાઘડી સાથે કોટેશ્વર મહાદેવની અભિષેક પૂજા કરી. ત્યાંથી તા.14મી જાન્યુઆરીના રોજ પદયાત્રાનો પ્રારંભ કરી 55 દિવસ સુધી પદયાત્રા કરી. આજે શિવરાત્રીના પાવન દિવસે આ ગૃપ પગપાળા પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં પહોંચ્યો હતો. ગૃપના આશ્રમના પૂ.બાપુના સંકલ્પ અને સંતોની એક ભાવના હતી કે, આજે નારાયણ સરોવરની જલ ચેતના અમારા કચ્છ અને કાઠીયાવાડને શિવ દર્શન અને ઉપાસનાના વિશેષ અધિકારો મળ્યા છે. એ અધિકારોના નાતે નારાયણ સરોવરથી સોમનાથ મહાદેવના સાંનિધ્યે અભિષેક કરવા આવ્યા છે. અહીં સાથે લાવેલા કલાત્મક પાઘડી સોમનાથ મહાદેવને અર્પણ કરવાની સાથે અભિષેક કરી સંકલ્પ પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી. આ તકે સર્વે લોકો પર આશિષ વરસતા રહે તેવી ગૃપના સંતો અને સેવકોએ પ્રાર્થના કરી હોવાનું જણાવેલું છે.