- 3 નવી વિશેષ ટ્રેનો 18 માર્ચથી શરૂ
- ત્રણેય વિશેષ ટ્રેનોનું ભાડુ મેઇલ-એક્સપ્રેસ ટ્રેનની અનરીઝર્વેટ ટિકિટ જેટલું રહેશે
- વેરાવળ - અમરેલી દૈનિક વિશેષ ટ્રેન દરરોજ વેરાવળથી સવારે 9-45 વાગ્યે ઉપડશે
ગીર સોમનાથ:કોરોનાની મહામારીમાં લાંબા સમય સુધી મીટર ગેજ લાઇનની બંધ રહી હતી. જેમાં હવે વેરાવળથી અમરેલી ટ્રેન સહિત 3 નવી વિશેષ ટ્રેનો આગામી 18 માર્ચથી શરૂ થનાર છે. આ વિશેષ ટ્રેનોનું ભાડુ મેઇલ-એક્સપ્રેસ ટ્રેનની અનરીઝર્વેટ ટિકિટ જેટલું રહેશે. યાત્રિકોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા 18 માર્ચથી ટ્રેન નંબર 09291 તથા 09292 વેરાવળ- અમરેલી- વેરાવળ દૈનિક વિશેષ (મીટર ગેજ) ટ્રેન શરૂ થશે.
તાલાલા જંકશન ફરી ધમધમશે
જેમાં વેરાવળ-અમરેલી દૈનિક વિશેષ ટ્રેન દરરોજ વેરાવળથી સવારે 9:45 વાગ્યે ઉપડશે અને બપોરે 2:50 વાગ્યે અમરેલી પહોંચશે. તેમજ અમરેલીથી દરરોજ સવારે 8:45 વાગ્યે ઉપડશે અને બપોરે 1:45 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેનો બંને દિશામાં સવની, તલાલા, ચિત્રાવડ, સાસણ ગીર, કાંસીયા નેસ, સતાધાર, વિસાવદર, જેતલવાડ, ભાદર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશનો પર રોકાણ કરશે. દૈનિક વિશેષ ટ્રેન શરૂ થતા તાલાલા જંકશન ફરી ધમધમશે.
આ પણ વાંચો:ગીર સોમનાથમાં વેરાવળથી મુંબઈની સીધી ટ્રેન શરૂ થઇ
તાલાલા જંક્શન છેલ્લા એક વર્ષથી સુમસામ હાલતમાં
ગીર-સોમનાથ જિલ્લાના 6 તાલુકામાંથી માત્ર એક વેરાવળ તાલુકા સુધી જ બ્રોડગેજ ટ્રેનની સુવિધા છે. જ્યારે અન્ય 5 તાલુકામાં મીટરગેજ રેલ્વે લાઈન છે. જે કોરોના મહામારીનાં કારણે બંધ કરાઈ હતી. આ લાઈન ફરી શરૂ કરવા વેસ્ટર્ન રેલ્વેએ લીલી ઝંડી આપી છે. આગામી 18 માર્ચથી વેરાવળ-અમરેલી ટ્રેન શરૂ થશે. જ્યારે દેલવાડા-જૂનાગઢ ટ્રેન પણ તાકિદે શરૂ કરીને લોકોને રાહત આપવા લોકમાગ ઉઠી છે. તાલાલા જંક્શન છેલ્લા એક વર્ષથી સુમસામ હાલતમાં છે. ટ્રેન શરૂ થતાં લોકોને આંશિક રાહત મળશે. ટ્રેન નંબર 09291 વેરાવળ-અમરેલી દૈનિક વિશેષ ટ્રેન વેરાવળથી સવારે ઉપડશે.