ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલી 8 માળની ઇન્ડોર બિલ્ડિંગમાં તમામ વિભાગના ઓપરેશન થિયેટર આવેલા છે. જ્યારે તેની સામે ઓપરેશન કર્યા બાદ સારવાર મેળવતા દર્દીઓના વોર્ડ ફાળવાયા છે, પરંતુ આ બિલ્ડીંગ જ્યારથી બનાવવામાં આવી ત્યારથી પાણીની સમસ્યાને લઈને જ પીડાઇ રહી છે. આજે બિલ્ડિગના ત્રીજા માળે આવેલા સર્જીકલ ઓપરેશન થિયેટરમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી. આ સમગ્ર ઓપરેશન થિયેટર હોલમાં પાણી જ પાણી જોવા મળતું હતું. પરિણામે કરોડો રૂપિયાના ઓપરેશનના સાધનોને બચાવવા માટે દોડાદોડી કરતા કર્મચારીઓ જોવા મળતા હતા.
પાટનગરમાં સુપ્રિટેન્ડેન્ટ વિભાગના OTમાં જ પાણીની રેલમછેલ, 10 ઓપરેશન કેન્સલ કરાયા
ગાંધીનગર: રાજ્યના પાટનગરની સિવિલ હોસ્પિટલ ઇન્ડોર બિલ્ડિંગ જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી પાણીની સમસ્યાથી પીડાઇ રહી છે. ક્યારેક લિફ્ટમાં પાણી ભરાઈ જવાના કારણે દર્દીઓને હેરાન થવું પડ્યું છે. તો ક્યારેક ઓપરેશન થિયેટરમાં પાણીની રેલમછેલ થવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના વિભાગના ઓપરેશન થિયેટરમાં 4 ઇંચ જેટલું પાણી ભરાઈ ગયું હતું. જેની અસરના ભાગરૂપે 10 જેટલા ઓપરેશન કેન્સલ કરવાની નોબત આવી પડી હતી.
સર્જિકલ ઓપરેશન થિયેટરમાં પાણી ભરાઈ જવાના કારણે આજે 10 જેટલા ઓપરેશનો જે અગાઉથી નિર્ધારિત કરાયા હતા તેને કેન્સલ કરવા પડ્યા હતા. ઓપરેશનની રાહ જોતા દર્દીઓને વધુ એક દિવસ તકલીફ સાથે જ વિતાવવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પાણીના કારણે ઓપરેશન થિયેટર બંધ રાખવામાં આવ્યા હોય તેવા પહેલો બનાવ નથી. અનેક વખત આ પ્રકારની સમસ્યા સિવિલ હોસ્પિટલમાં બની છે. પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો તેનું કાયમી નિરાકરણ લાવવામાં વામણા પુરવાર થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સર્જીકલ વિભાગના વડા છે. ત્યારે તેમના જ વિભાગમાં આ પ્રકારની સ્થિતિ થાય તો અન્ય વિભાગની કેવી હાલત હશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં VIP બોર્ડની પણ આવી જ સ્થિતિ અનેક વખત થઇ છે. અગાઉ આ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ઇન્દોર બિલ્ડીંગના તળિયા પણ ખોદવામાં આવ્યા હતા. તેમ છતાં જ માત્ર અધિકારીઓ દ્વારા 'લોટમાં લીટા' કરીને બિલ પાસ કરાવવામાં આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે.