સરકારી કોલેજમાં 3 મહિનાથી ટેબલેટ ન હતાં, NSUIએ આકરા તેવર બતાવતાં જ વિતરણ શરૂ
રાજ્યની કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ટેબલેટ આપવામાં આવે છે. ત્યારે ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી વિનયન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી રજૂઆત છતાં ટેબલેટ મળ્યાં ન હતાં. ત્યારે ગાંધીનગર જિલ્લા એનએસયુઆઈ દ્વારા આ બાબતે આકરા તેવર બતાવતાં ટેબલેટનું વિતરણ શરૂ થઈ ગયું હતું.
ગાંધીનગરઃ શહેરના સેક્ટર 15માં આવેલી આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ટેબલેટની રાહ જોઈ રહ્યાં હતાં. કારણકે બાજુમાં જ આવેલી વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબલેટ મળી ગયા હતા. જેને લઇને આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સીપાલને વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી. પરંતુ પ્રિન્સીપાલ દ્વારા યુનિવર્સિટી કક્ષાએથી ટેબલેટ આવ્યા નથી તેવું જણાવવામાં આવતું હતું. જેને લઇને આજે વિદ્યાર્થીઓ અને એનએસયુઆઇ દ્વારા કોલેજમાં પ્રિન્સિપાલ વિરોધી સુત્રોચ્ચાર પોકાર્યા હતા. એનએસયુઆઈને જોઈને કેમ્પસમાં પોલીસને પણ બોલાવી લીધી હતી.