સમગ્ર રાજ્યમાં ભૂમાફિયાઓ ફૂલ્યા-ફાલ્યા છે ત્યારે માટીચોરોની પણ બોલબાલા વધી છે. ગ્રામ્ય વિસ્તારોના તળાવો અને ગામતળની માટીની ચોરીની અનેક ઘટનાઓ સામે આવે છે ત્યારે રાજ્યના પાટનગર એવાં ગાંધીનગરના દહેગામ તાલુકાના ચારેક ગામડાઓમાં માટીચોરોએ તરખાટ બોલાવ્યો છે. તાલુકાના વાસણા રાઠોડ, વડોદરા, ગલુદણ અને દહેગામ શહેર વિસ્તારમાં આવેલા સહિયારા તળાવમાં માટીની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે. હિટાચી મશીન દ્વારા માટી ખોદીને ખાનગી ફેક્ટરીઓમાં લઈ જવામાં આવતી હોવાના સમાચાર ગ્રામજનોને મળતા સ્થળ પર જઈને હોબાળો મચાવ્યો હતો.
ગાંધીનગરના ગામડાઓમાં માટીચોરો સામે ગ્રામજનોમાં આક્રોશ
ગાંધીનગરઃ દહેગામ તાલુકાના વાસણા રાઠોડ, વડોદરા, ગલુદણ અને દહેગામ શહેર વિસ્તારમાં આવેલા સહિયારા તળાવમાંથી માટી ચોરી કરવાની ઘટના પ્રકાશિત થઈ છે. હિટાચી મશીન દ્વારા માટી ખોદીને ખાનગી કંપનીઓમાં વહીવટ કરાતો હોવાની જાણ ગ્રામજનોને થતાં તેઓએ સ્થળ પર હોબાળો મચાવ્યો હતો.
રાજ્યમાં માફિયાઓ દ્વારા અડધી રાત્રે ચોરી કરવા માટે મશીનો મુકવામાં આવે છે. નદીમાં અડધી રાત્રે જ ડમ્પર મૂકીને રેતીચોરી કરવામાં આવતી હતી ત્યારે હવે ગામતળમાંથી પણ ધોળા દિવસે માટી ચોરીના કિસ્સા સામે આવી રહ્યાં છે. દહેગામ તાલુકાના ત્રણ ગામ અને શહેરી વિસ્તારના સહિયારા તળાવમાં દસ જેવા આયવા માટી ભરીને જઈ રહ્યાં હતા. મશીન દ્વારા માટી ખોદી તેનો બારોબાર ખાનગી કંપનીમાં વહીવટ કરવામાં આવી રહ્યો છે. વાસણા રાઠોડ ગામના સરપંચ દિલીપસિંહ રાઠોડે આ અંગે કહ્યું કે કોઈપણ જાતની પરવાનગી વિના મહામૂલી માટીને ખોદીને ખાનગી કંપનીઓમાં પૂરાણ માટે લઈ જવામાં આવી રહી છે. આ બાબતે અમે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવે માટી પણ સરળતાથી મળતી નથી. પરિણામે ભૂમાફિયાઓ બારોબાર કારોબાર કરતા હોય છે. મનફાવે ત્યાં તંત્ર સાથે મીલીભગત કરી માટી ખોદીને વેચી મારતા હોય છે. અગાઉ પણ દહેગામ પંથકમાં આ પ્રકારના બનાવો સામે આવ્યા હતા.