ગાંધીનગર : રાજ્યમાં ચાલુ વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં જ વરસાદ વરસતા ખેડૂતો દ્વારા સમયસરની વાવણી થતા કૃષિ વાવેતર વિસ્તારમાં છેલ્લા 3 વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો થયો છે.
સામાન્ય રીતે રાજ્યમાં જૂનની 15મી તારીખ કે, ત્યારબાદ વરસાદની શરૂઆત થતી હોય છે અને ત્યારબાદના સારા વરસાદ બાદ વાવણીની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે જૂન માસની શરૂઆતમાં જ સારો વરસાદ થતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દેતા રાજ્યમાં કૃષિ પાકોના વાવેતર વિસ્તારમાં છેલ્લા 3 વર્ષની સરખામણીમાં વૃદ્ધિ જોવા મળી છે.
આ ઉપરાંત ચાલું વર્ષે કોરોનાના કારણે વિવિધ ક્ષેત્રો પર થોડા ઘણાં નિયંત્રણો મૂકવામાં આવેલા હતાં. પરંતુ સરકાર દ્વારા તેમાં કૃષિ ક્ષેત્રની જરૂરિયાત ધ્યાનમાં લઇને છૂટછાટ આપવામાં આવી હતી. તેને લઇને સમયસર વાવણી થઇ શકી હતી. વળી, ખેતી હેઠળનો મોટાભાગનો વિસ્તાર ગ્રામ્ય ક્ષેત્રમાં આવેલા હોવાથી મોટા પ્રમાણમાં ગ્રામીણ રોજગારના અવસરો પેદા થવાથી કોરોના વચ્ચે પણ ગ્રામીણ કૃષિ ક્ષેત્ર ધબકતું રહ્યું છે.
રાજ્યની છેલ્લા 3 વર્ષની વાવેતરના કુલ સરેરાશ 84,90,070 હેક્ટરની સરખામણીમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 70,27,875 હેક્ટરમાં વાવેતર થયું છે. તે દ્રષ્ટિએ સિઝનનું 82.78 ટકા વાવેતર થઇ ચૂક્યું છે અને હજુ પણ વાવેતર ચાલું છે. તે દ્રષ્ટિએ આ આંકડો હજુ વધશે.
ડાંગર, બાજરી, જુવાર, મકાઇ અને અન્ય ધાન્ય પાકોની 13,52,658 હેક્ટરની છેલ્લા 3 વર્ષની સરખામણીમાં ચાલું વર્ષમાં 9,56,510 હેક્ટરમાં વાવેતર થયું છે. તે રીતે ચાલું વર્ષે 70.71 ટકાનું વાવેતર થઇ ચૂક્યું છે. તુવેર, મગ, મઠ, અડદ અને અન્ય કઠોળનું છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વાવેતર વિસ્તાર 4,71,580 હેક્ટર હતો તે આ વર્ષે 3,55,830 હેક્ટર થયો છે. એટલે કે 75.45 ટકામાં કઠોળનું વાવેતર રાજ્યમાં થયું છે.
તે જ રીતે મગફળી, તલ, દિવેલા, સોયાબીન અને અન્ય તેલીબીયાના છેલ્લા ત્રણ વર્ષની વાવેતરની કુલ સરેરાશ 23,91,910 હેક્ટરની સરખામણીમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 23,97,039 હેક્ટરમાં વાવેતર થયું છે. તે દ્રષ્ટિએ સિઝનનું 100.21 ટકા વાવેતર થઇ ચૂક્યું છે. આ રીતે રાજ્યમાં 100 ટકા વાવેતર થઇ ચૂકયું છે.
આવી જ રીતે કપાસ, તમાકુ, ગુવાર સીડ, શાકભાજી અને ઘાસચારાનું છેલ્લા 3 વર્ષની વાવેતરની કુલ સરેરાશ 42,73, 922 હેક્ટરની સરખામણીમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 33,18,496 હેક્ટરમાં વાવેતર થયું છે. તે દ્રષ્ટિએ સિઝનનું 77.65 ટકા વાવેતર થઇ ચૂક્યું છે અને હજુ પણ તેનું વાવેતર ચાલું છે.
શ્રાવણના સરવરિયા અને હજી પાછોતરા વરસાદની સંભાવનાઓ વચ્ચે હજુ પણ રાજ્યના કુલ વાવેતર વિસ્તારમાં હજુ પણ વધારો થશે. કોરોનાના સંક્રમણકાળ વચ્ચે કૃષિકારોની ધગશ, મહેનત, વરસાદ રૂપી કુદરતની મહેરબાની અને રાજ્ય સરકારના ગ્રામીણ અને ખાસ કરીને કૃષિના ધબકતું રાખવાના પ્રયાસોને પરિણામે કૃષિ પાકોનું રાજ્યમાં નોંધપાત્ર વાવેતર થયું છે.