ગાંધીનગરઃ પ્રભારી પ્રધાન સાથે યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકા હોદ્દેદારો અને કમિશનરની બેઠકમાં પરસ્પર આક્ષેપો ન થતાં આશ્ચર્ય સર્જાયું છે. સ્થાયી સમિતીના ચેરમેનની ફરિયાદ કરવાની કોઈ તક નહીં છોડનારા મેયરે પણ આશ્ચર્યજનક રીતે યુટર્ન લીધો હતો. તો છેલ્લા કેટલાક મહિનાથી ખોરંભે પડેલી મહાનગરપાલિકાની કામગીરી માટે તેમને પૂર્વ હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા હતા.
આગામી ગુરૂવારે યોજાનારી સ્થાયી સમિતીની બેઠકમાં કોઈ વિવાદ ન સર્જાય તે માટે પ્રભારી પ્રધાન કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. અગાઉની ઉચ્ચ સ્તરીય બેઠકોમાં મેયર અને કમિશનરે ચેરમેનની ફરિયાદ કરવાની કોઈ તક છોડી ન હતી, પરંતુ આ બેઠકમાં મેયરે મહાનગરપાલિકામાં ચાલી રહેલા વિવાદ માટે પૂર્વ હોદ્દેદારને જવાબદાર ગણાવ્યા હતા. આખરે પ્રભારી પ્રધાન સાથેની બેઠકમાં ઘીના ઠામમાં ઘી પડ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ, સ્થાયી સમિતીમાં વગ ધરાવનારા એક પૂર્વ હોદ્દેદારના કારણે જ સમસ્યા ઊભી થતી હોવાનું મેયરે જણાવ્યું હતું. પ્રભારી પ્રધાન સાથે યોજાયેલી તાજેતરની એક બેઠકમાં સ્થાયી સમિતીનું રિમોટ કંટ્રોલ પક્ષના હોદ્દેદારોને સોંપી દેવાનો નિર્ણય લેવાયો હતો.
સામાન્ય રીતે પક્ષના હોદ્દેદારો ઉચ્ચ નેતાઓના નામે પોતાની માનીતી એજન્સીના ટેન્ડર મંજૂર કરાવી દેતા હોવાનું જગજાહેર છે. તેથી બગીચાના નવીનીકરણ અને બસ સ્ટેન્ડોના નિર્માણ જેવા વિવાદાસ્પદ ટેન્ડરોની ચર્ચા થવાની શક્યતા હતી. જો કે, પ્રભારી પ્રધાન સાથે આ મુદ્દે કોઈ પ્રકારની ચર્ચા કરવામાં આવી ન હતી.
કાઉન્સિલરોની ગ્રાન્ટમાંથી અપાતી વોટર કૂલર, આરઓ સીસ્ટમ જેવી વસ્તુઓની લાંબા સમયથી ખરીદી ન થયાનો મુદ્દો ચેરમેને રજૂ કર્યો હતો. જેના જવાબમાં કમિશનરે કાઉન્સિલરોની ભલામણ મુજબની વસ્તુઓની ખરીદી ઝડપી બનાવવા ખાતરી આપી હતી. લાંબા સમયથી મ્યુનિ.માં વિવાદો સર્જનારા ટેન્ડરોનો મુદ્દો ચર્ચાયો ન હતો. ખાસ કરીને રૂપિયા 38 કરોડના ખર્ચે બગીચાઓના નવીનીકરણ તથા બસ સ્ટેન્ડોના નિર્માણ અંગેનું ટેન્ડર ફગાવી દેવાયા બાદ તેને ફરી મંજૂર કરવાના મામલાનો પણ ઉલ્લેખ સુદ્ધાં થયો ન હતો. એકંદરે લાંબા સમય બાદ પ્રભારી પ્રધાન અને હોદ્દેદારોની બેઠક આક્ષેપો-પ્રતિ આક્ષેપો વગર સંપન્ન થઈ હતી.
આ અગાઉ પ્રભારી પ્રધાન કૌશિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર અને ચૂંટાયેલા સભ્યો વચ્ચેના વિવાદનો લાભ લઈને સંકલન સમિતીની બેઠકો યોજવાનો નિર્ણય લેવાયા બાદ મહાનગરપાલિકા પ્રમુખ અને મહામંત્રીને ટેન્ડર પ્રક્રિયાનું રિમોટ કંટ્રોલથી સંચાલન કરવાની સત્તા મળી ગઈ છે. સંગઠનના હાથમાં સત્તાનો દોર આવી જતાં ચેરમેન અને સભ્યો પાસે હવે માત્ર રબર સ્ટેમ્પ જેવી જ કામગીરી રહી છે. ગુરુવારે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે સંકલન સમિતીમાં કરોડો રૂપિયાના ટેન્ડરોને મંજૂરી અંગે સૂચના અપાઈ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યુ હતું.