ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ માત્ર કલોલ તાલુકામાં 190 મિ.મિ પડ્યો છે. જ્યારે સોથી ઓછો વરસાદ ગાંધીનગર તાલુકામાં 88 મિ.મિ નોંધાયો છે. તે પછી દહેગામ પંથકમાં 181 મિ.મિ અને માણસા પંથકમાં તો અત્યાર સુધીમાં 164 મિ.મિ વરસાદ થયો છે. તેના કારણે જિલ્લાના ખેડૂતો પુરતા પ્રમાણમાં વાવેતર કરી શક્યા નથી. હાલમાં થયેલા વાવેતરમાં માણસા તાલુકો અગ્રેસર છે અને સૌથી વધુ કપાસના પાકનું વાવેતર થયું છે.
માણસા તાલુકામાં 17775 હેક્ટર થયું છે અને સૌથી ઓછું વાવેતર કલોલ તાલુકામાં 8939 હેક્ટર થયું છે.ચોમાસાનો આરંભ થતાની સાથે જિલ્લાના ખેડૂતોએ ખાતર અને બિયરણની ખરીદી શરૂ કરી દીધી હતી. તે સમયે પિયાતની સુવિધા ધરાવતા ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતી. તે પછી દહેગામ અને ગાંધીનગર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ થતાં ખેડૂતો વાવણીના કામમાં લાગી ગયા હતાં. પરંતુ હાલના દિવસોમાં વરસાદ સાથ આપતો ના હોવાથી ગાંધીનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વધી છે. હાલમાં પડી રહેલા વરસાદના પગલે જિલ્લાના ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાઇ ગયા છે.