ગાંધીનગર તાલુકાના પ્રાંતિયા ગામે જ્યાં લગ્ન પ્રસંગે ચાલતા જમણવાર ચાલુ હોવાથી ગામના બે યુવકોને બાઈક ધીરે ચલાવાનું કહેતાં દલિત યુવક પર 7 શખ્સોએ હિચકારો હુમલો કરી દીધો હતો. જાતીવિષયક શબ્દો બોલીને યુવકને માર મારતા આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ હતી. આ સમગ્ર ઘટનાને પગલે ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આખો દિવસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
ગાંધીનગરમાં નજીવી બાબતે યુવક પર હુમલો કરી આરોપી ફરાર - Gujarati News
ગાંધીનગરઃ આઝાદીના આટલા વર્ષે પણ દેશમાં હજુ પણ કેટલીક જ્ઞાતિઓને નાતજાતના ભેદભાવથી આઝાદ નથી કરાયા. કડીના રાહુલ ગામમાં દલિતના વરઘોડો કાઢવા બાબતે ઝગડો થયો હતો. ત્યાર બાદ પ્રાંતિજ પાસેના સીતવાડા ગામમાં દલિત યુવકને ઘોડા ઉપર બેસવા બાબતે ધમકી મળી હતી. તેની શાહી સુકાઇ નથી, ત્યારે વધુ એક દલિત ઉપર હુમલાનો બનાવ ગાંધીનગર પાસેના પ્રાંતિયા ગામમાં બન્યો હતો.
પ્રાંતિયા ગામે રોહીતવાસમાં રહેતા રાજેશ દલપતભાઈ પરમાર રવિવારના રોજ પાડોશમાં રહેતાં રાહુલ પરિવારમાં લગ્ન હોવાથી શનિવારે સાંજના સુમારે જમણવાર અને ગરબાનો કાર્યક્રમ હતો. રાત્રે 8.30 વાગ્યે જમણવાર ચાલુ હતો તે સમયે ગામના 2 યુવક કૌશિક લાલાજી અને હેમીલ અરવિંદજી બાઈક પર પૂરઝડપે આવતા હતા. જેથી રાજેશે બાઈક ધીરે ચલાવાનું કહેતાં ઉશ્કેરાયેલા બંને યુવકોએ જાતીવિષયક શબ્દો બોલી જતા માણસોને બોલાવાની ધમકી આપી હતી. ત્યારબાદ 10.30 વાગ્યાના સુમારે યુવક ગામના મંદિર પાસે ઉભો હતો. ત્યારે ધમકી આપીને ગયેલા બંને યુવકો 4થી 5 માણસો સાથે આવ્યા હતા. જેઓ યુવક પર હુમલો કરતાં માથામાં પાઈપ મારી દીધી હતી.
યુવકને જાતીવિષયક શબ્દો બોલીને માર મારતા તેને છોડાવા વચ્ચે પડેલા ગામના જશવંતભાઈ નટવરભાઈ પરમારને પણ હુમલાખોરોએ મારમાર્યો હતો. હુમલાને પગલે યુવકને માથામાં ઇજાના કારણે તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો. જ્યાં માથામાં 3 ટાંકા આવેલા હોવાથી યુવકને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. યુવકે 7 શખ્સો સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા કેસની વધુ તપાસ એસસી-એસટી સેલના ડીવાયએસપી બી. જે. ચૌધરીને સોંપવામાં આવી છે.