ગાંધીનગર શહેરના છેવાડે ખ-7 સર્કલ પાસે આવેલી સમર્પણ કેમ્પસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું રવિવારે સ્નેહમિલન યોજાયું હતું. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યાં હતાં. પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલા પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યાં હતાં. જેમણે કાર્યકરો સાથે પાર્ટીને આગળ લઈ જવા માટે શું કરવું જોઈએ તેવા પ્રશ્નોની આપ-લે કરી હતી. તેમજ આગામી દિવસોમાં સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યકરોને હાકલ હતી.
આ કાર્યક્રમમાં NCP સુપ્રીમો શરદ પવારને સમર્થન આપતો ઠરાવ પસાર કરાયો હતો. ત્યારબાદ NCPના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ મહારાષ્ટ્રમાં થયેલી રાજકીય ઉથલપાથલ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "છેલ્લા એક દશકાથી દેશનું રાજકારણ નકારાત્મકતા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોય ત્યારે નકારાત્મક રીતે અને વિરોધ કરવા ખાતર માત્ર સસ્તી લોકપ્રિયતા માટે સત્તાધારી પાર્ટીને સાથે મળી ખોટી રીતે ગાળો આપવાનું કામ કરી રહી છે. ભાજપ સત્તા પર આવ્યા બાદ થુંકેલું ચાખવું પડે તેવું કામ કરી રહી છે."